તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
શું હવે બાળકો માટે સોશિયલ મીડિયાના દરવાજા બંધ થશે? ભારત લાવી રહ્યું છે નવો 'ગ્રેડેડ કાયદો', જાણો તમારા સંતાનોના ડિજિટલ ભવિષ્ય પર શું થશે અસર!
ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સની જેમ ભારત પણ એક્શન મોડમાં: માત્ર ઉંમર જ નહીં, પણ વ્યસન લગાડતા અલ્ગોરિધમ અને ઓટોપ્લે પર પણ શકાશે સકંજો; કર્ણાટક અને આંધ્રપ્રદેશે પહેલ કર્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું પ્લાનિંગ

નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકોના જીવનનું અભિન્ન અંગ બની ગયા છે, પરંતુ તેની પાછળ છુપાયેલું જોખમ હવે સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશોએ સગીરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા બાદ, હવે ભારત પણ એક વિશેષ 'ગ્રેડેડ અભિગમ' (Graded Approach) સાથે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કાયદો માત્ર પ્રતિબંધ નહીં, પણ બાળકોની સુરક્ષા અને તેમના બંધારણીય અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરશે.
તાજેતરના આર્થિક સર્વે ૨૦૨૫-૨૬ ના આંકડા ચોંકાવનારા છે. ભારતીય યુવાનો દિવસના ૩ થી ૭ કલાક સોશિયલ મીડિયા પાછળ વિતાવે છે, જે તેમને માનસિક તણાવ, ડિપ્રેશન અને સાયબર ધમકીઓ તરફ ધકેલી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા કર્ણાટકે ૧૬ વર્ષ અને આંધ્રપ્રદેશે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મર્યાદા નક્કી કરવાની હિમાયત કરી છે.
ભારતનો 'ગ્રેડેડ અભિગમ' શું છે?
ભારત સરકાર જે કાયદો વિચારી રહી છે તે કોઈ "એક જ લાકડીએ બધાને હાંકવા" જેવો નથી. તેમાં વય જૂથ અનુસાર અલગ-અલગ નિયમો હોઈ શકે છે:
• નાના બાળકો માટે: સંપૂર્ણ પ્રતિબંધ અથવા માતા-પિતાની ફરજિયાત સંમતિ.
• કિશોરો માટે: સોશિયલ મીડિયા વાપરવાની સમય મર્યાદા અને અમુક પ્રકારના કન્ટેન્ટ પર ફિલ્ટર.
• પ્લેટફોર્મ માટે: વ્યસન લગાડતા અલ્ગોરિધમ અને ઓટોપ્લે જેવી સુવિધાઓ પર નિયંત્રણ.
માત્ર વય મર્યાદા પૂરતી નથી: નિષ્ણાતોનો મત
ડિજિટલ એક્સપર્ટ સુબિમલ ભટ્ટાચાર્ય અને અન્ય નિષ્ણાતો માને છે કે માત્ર ઉંમર નક્કી કરવાથી સમસ્યા હલ નહીં થાય. પ્લેટફોર્મની ડિઝાઇન એવી છે કે જે યૂઝર્સને પકડી રાખે છે. ઓટોપ્લે અને ટાર્ગેટેડ નોટિફિકેશન બાળકોને સતત સ્ક્રીન સાથે ચીપકેલા રાખે છે. જો પ્લેટફોર્મની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં નહીં આવે, તો બાળકો VPN જેવી ટેકનિક વાપરીને પણ આ પ્રતિબંધોને બાયપાસ કરી શકે છે.
અમલીકરણના મોટા પડકારો
ભારતમાં આ કાયદો લાગુ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે. ઘરોમાં એક જ ફોનનો ઉપયોગ અને વય ચકાસણીની (Age Verification) સચોટ પદ્ધતિનો અભાવ મુખ્ય અડચણો છે. શું સરકાર ફેસ-રેકગ્નિશન કે આધાર લિંકિંગ જેવા કડક પગલાં લેશે? તે જોવું રસપ્રદ રહેશે. જોકે, આ કાયદો બાળકોના માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટેની એક મોટી કવાયત માનવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
