News of Saturday, 14th March 2026
શેરબજારમાં આવશે આઈપીઓનું ઘોડાપૂર: સરકારે મેગા IPO માટેના નિયમો કર્યા હળવા, હવે Jio અને NSE ના લિસ્ટિંગનો માર્ગ થયો સાવ મોકળો!
મોટી કંપનીઓ માટે 'રેડ કાર્પેટ': લઘુત્તમ શેર વેચવાની મર્યાદામાં મોટી રાહત; ૫ લાખ કરોડથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ હવે માત્ર ૨.૫ ટકા હિસ્સો વેચીને પણ માર્કેટમાં એન્ટ્રી કરી શકશે.

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં ટૂંક સમયમાં રિલાયન્સની ટેલિકોમ જાયન્ટ Jio અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) જેવી દિગ્ગજ કંપનીઓના આઈપીઓ (IPO) ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લેતા મોટા કદના આઈપીઓ માટે લિસ્ટિંગના કડક નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. આ સુધારા બાદ હવે અબજો ડોલરનું મૂલ્ય ધરાવતી કંપનીઓ માટે બજારમાં લિસ્ટ થવું ઘણું સરળ બની જશે.
અગાઉના નિયમો મુજબ, ૧ લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતી કંપનીઓએ લિસ્ટિંગ સમયે ઓછામાં ઓછો ૫ ટકા હિસ્સો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવો પડતો હતો. આને કારણે બજારમાં એકસાથે રોકડની અછત સર્જાવાની અને શેરના ભાવ પર દબાણ આવવાની શક્યતા રહેતી હતી. હવે સેબી (SEBI) ના પ્રસ્તાવ બાદ સરકારે આ મર્યાદામાં ધરખમ ઘટાડો કર્યો છે.
નવા નિયમો મુજબ કોને કેટલી છૂટ મળશે?
સરકારે કંપનીના બજાર મૂલ્ય (Market Cap) મુજબ અલગ-અલગ સ્તર નક્કી કર્યા છે:
• ૫ લાખ કરોડથી વધુ મૂલ્યાંકન: આવી મેગા કંપનીઓ હવે માત્ર ૨.૫ ટકા હિસ્સો વેચીને લિસ્ટિંગ કરી શકશે. જોકે, તેમણે આગામી ૧૦ વર્ષમાં ધીમે-ધીમે જાહેર શેરહોલ્ડિંગ વધારીને ૨૫ ટકા સુધી લઈ જવું પડશે.
• ૧ લાખ થી ૫ લાખ કરોડ: આ કંપનીઓ માટે લઘુત્તમ પબ્લિક ફ્લોટ ૨.૭૫ ટકા નક્કી કરાયો છે. તેમને ૨૫ ટકાના ધોરણ સુધી પહોંચવા માટે ૫ વર્ષનો સમય મળશે.
• ૫૦,૦૦૦ કરોડ થી ૧ લાખ કરોડ: લિસ્ટિંગ સમયે ૮ ટકા હિસ્સો વેચવો પડશે અને ૨૫ ટકાના લક્ષ્ય માટે ૫ વર્ષની મુદત મળશે.
• નાની કંપનીઓ (૧,૬૦૦ કરોડ સુધી): તેમના માટે જૂનો નિયમ જ લાગુ રહેશે, એટલે કે લિસ્ટિંગ સમયે જ ૨૫ ટકા હિસ્સો જાહેર જનતાને આપવો પડશે.
Jio અને NSE માટે કેમ આ સમાચાર મહત્વના છે?
રિલાયન્સ જીઓ અને એનએસઈ જેવી કંપનીઓનું મૂલ્યાંકન ખૂબ જ ઊંચું છે. જૂના નિયમો મુજબ લિસ્ટિંગ કરવા માટે તેમણે હજારો કરોડના શેર વેચવા પડે તેમ હતા, જેના માટે બજાર કદાચ તૈયાર નહોતું. આ જ કારણસર આ કંપનીઓએ અત્યાર સુધી પોતાના આઈપીઓ મુલતવી રાખ્યા હતા. હવે સરકારના આ ગ્રીન સિગ્નલ બાદ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ કંપનીઓના લિસ્ટિંગથી ભારતીય શેરબજારના કદમાં જંગી વધારો થશે.
નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી માત્ર મોટી કંપનીઓને જ નહીં, પણ સામાન્ય રોકાણકારોને પણ દેશની ટોચની કંપનીઓમાં ભાગીદાર બનવાની સુવર્ણ તક મળશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
