હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનમાં આર્થિક કટોકટીનો હાહાકાર: ઈંધણની અછતે સરકારને ઘૂંટણિયે લાવી : કર્મચારીઓના પગારમાં ૩૦% સુધીનો જંગી કાપ
વડાપ્રધાન શાહબાઝ શરીફનો કડક નિર્ણય: સરકારી ગાડીઓના પૈડાં થંભી જશે : મંત્રીઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ અને પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૫૫ રૂપિયાના તોતિંગ વધારાથી જનતા પાયમાલ

ઈસ્લામાબાદ : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની સૌથી ભયાનક અસર પાકિસ્તાન પર જોવા મળી રહી છે. ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઈંધણ સંકટે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ગૂંગળાવી દીધી છે. શનિવારે વડાપ્રધાન શાહબાઝ શરીફે એક હાઈ-લેવલ બેઠક બાદ ઐતિહાસિક અને આકરા પગલાંની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકાર હવે પોતાના જ કર્મચારીઓના પગારમાં ૫ થી ૩૦ ટકાનો કાપ મૂકવા જઈ રહી છે. આ કાપ માત્ર મંત્રાલયો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સરકારી કંપનીઓ અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા લાખો કર્મચારીઓને પણ અસર કરશે. પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં એકાએક લિટર દીઠ ૫૫ રૂપિયાનો વધારો થતા દેશમાં મોંઘવારીનો વિસ્ફોટ થયો છે.
સરકારની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' માત્ર પગાર પૂરતી મર્યાદિત નથી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ, આગામી બે મહિનામાં ૬૦ ટકા સરકારી વાહનોને રસ્તા પરથી હટાવી લેવામાં આવશે અને બાકીના વાહનો માટે ઈંધણની ફાળવણીમાં ૫૦ ટકાનો સીધો કાપ મૂકવામાં આવશે. આ પ્રક્રિયા પર થર્ડ પાર્ટી ઓડિટ દ્વારા બાજ નજર રાખવામાં આવશે જેથી ઈંધણની ચોરી અટકાવી શકાય. નવા વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને મંત્રીઓ, સલાહકારો તેમજ સરકારી અધિકારીઓની વિદેશ યાત્રા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. કેબિનેટ સભ્યો અને ખાસ સહાયકોના પગારનો ઉપયોગ પણ હવે 'જાહેર કલ્યાણ' માટે કરવામાં આવશે.
પાકિસ્તાનની આ હાલત માટે તેનું ગલ્ફ તેલ પરનું અતિશય અવલંબન જવાબદાર માનવામાં આવે છે. જ્યારે ભારત જેવા દેશો પોતાની ઉર્જા સુરક્ષા માટે રાજદ્વારી માર્ગો અપનાવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન પાસે નાણાકીય ભંડોળના અભાવે આકરા નિર્ણયો સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પગાર કાપ અને અન્ય બચત દ્વારા જે રકમ એકઠી થશે, તેનો ઉપયોગ ગરીબ જનતાના કલ્યાણ માટેની યોજનાઓમાં કરવામાં આવશે. જોકે, આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આંતરિક અસ્થિરતા વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
