<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

યુરોપમાં યહૂદી સંસ્થાઓ પર હુમલાનો સિલસિલો: એમ્સ્ટરડેમમાં યહૂદી શાળા પર ભીષણ વિસ્ફોટ, મેયરે કહ્યું- "આ સમુદાય વિરુદ્ધ આક્રમણનું કાયર કૃત્ય!"

વધતી અસુરક્ષા: ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની આગ હવે યુરોપ સુધી પહોંચી; નેધરલેન્ડ અને બેલ્જિયમમાં સિનાગોગ-શાળાઓને નિશાન બનાવતા યહૂદી સમુદાયમાં ફફડાટ, સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર.

એમ્સ્ટરડેમ : નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ શનિવારે વહેલી સવારે એક જોરદાર વિસ્ફોટથી ધ્રૂજી ઉઠી હતી. શહેરના દક્ષિણ ભાગમાં આવેલા એક હાઈ-પ્રોફાઈલ રહેણાંક વિસ્તારમાં સ્થિત યહૂદી શાળાને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એમ્સ્ટરડેમના મેયર ફેમ્કે હલસેમાએ આ ઘટનાને માત્ર ગુનો નહીં, પરંતુ યહૂદી સમુદાય સામેનો એક "ઇરાદાપૂર્વકનો હુમલો" ગણાવીને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.
સદનસીબે, વિસ્ફોટ વહેલી સવારે થયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શાળાની મિલકતને નુકસાન પહોંચ્યું છે. પોલીસ અને અગ્નિશામક દળની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
 
સમગ્ર યુરોપમાં હિંસાનું વરવું દ્રશ્ય
આ હુમલો કોઈ એકલ-દોકલ ઘટના નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી યુરોપના અલગ-અલગ શહેરોમાં યહૂદી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે:
•    રોટરડેમ: શુક્રવારે રાત્રે રોટરડેમ શહેરની મધ્યમાં આવેલા એક સિનાગોગ (યહૂદી પ્રાર્થના સ્થળ) પર આગચંપી કરવાનો પ્રયાસ થયો હતો.
•    બેલ્જિયમ: ગત સોમવારે પડોશી દેશ બેલ્જિયમના લીજ શહેરમાં પણ એક સિનાગોગમાં વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની હતી.
•    વધતી સુરક્ષા: આ હુમલાઓને પગલે સમગ્ર નેધરલેન્ડમાં યહૂદી સંસ્થાઓ, શાળાઓ અને પ્રાર્થના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.
 
વૈશ્વિક તણાવની સીધી અસર
મેયર હલસેમાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "એમ્સ્ટરડેમમાં વસતા યહૂદી લોકો હવે સતત યહૂદી-વિરોધ (Anti-semitism) અને ડરનો સામનો કરી રહ્યા છે, જે લોકશાહીમાં અસ્વીકાર્ય છે."
નિષ્ણાતોના મતે, ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના તાજેતરના હુમલાઓ અને ત્યારબાદ તેહરાન દ્વારા આપવામાં આવેલી જવાબી કાર્યવાહીને કારણે વિશ્વભરમાં ધાર્મિક સંસ્થાઓ પર હુમલાનો ખતરો વધ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં વધી રહેલી આ હિંસા આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. હાલમાં એમ્સ્ટરડેમ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:43 PM IST)