<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

પંજાબના રાજકારણમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: હવે કોઈનું ગઠબંધન નહીં, ૨૦૨૭માં એકલા હાથે લડશે ચૂંટણી; અમિતભાઈ શાહે મોગાની ધરતી પરથી ફૂંક્યું વિજયનું રણશિંગું!

'નાનો ભાઈ' નહીં પણ હવે 'મોટા ભાઈ'ની ભૂમિકામાં ભાજપ: સત્તામાં આવતા જ ધર્માંતરણ વિરોધી કાયદો લાવવા અને પંજાબને ૨ વર્ષમાં 'નશામુક્ત' કરવાનું અમિતભાઈ શાહનું સૌથી મોટું વચન.

મોગા : પંજાબના રાજકીય ઈતિહાસમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે શનિવારે મોગાના કિલી ચાહલાન ખાતે આયોજિત 'બદલાવ રેલી'માં એક અત્યંત મહત્વની અને મોટી જાહેરાત કરી છે. શિરોમણી અકાલી દળ (SAD) સાથે ફરી ગઠબંધન થવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા શાહે સ્પષ્ટ કર્યું કે, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હવે કોઈના ટેકા વગર, એકલા હાથે મેદાનમાં ઉતરશે.
અમિતભાઈ શાહે હિંમતભર્યા અંદાજમાં કહ્યું કે ભાજપ હવે પંજાબમાં 'નાનો ભાઈ' નથી રહ્યો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧૯% વોટ શેર મેળવ્યા બાદ હવે પાર્ટી રાજ્યમાં ભાજપની જ સરકાર બનાવવા માટે મક્કમ છે. આ જાહેરાતથી પંજાબમાં હવે ત્રિપાંખિયો કે ચતુષ્કોણીય જંગ ખેલાશે તે નિશ્ચિત બન્યું છે.
 
હિન્દુ અને શહેરી મતદારોને રીઝવવા 'ધર્માંતરણ વિરોધી' કાર્ડ
રાજ્યમાં વધી રહેલા ધર્માંતરણના મુદ્દાને અમિતભાઈ શાહે કેન્દ્ર સ્થાને રાખ્યો છે. તેમણે મોટું વચન આપતા કહ્યું કે જો ભાજપ સત્તા પર આવશે, તો સૌથી પહેલા ધર્માંતરણ વિરોધી બિલ લાવવામાં આવશે. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે આ પક્ષો ધર્માંતરણ કરનારાઓને માત્ર પોતાની વોટ બેંક તરીકે જ જુએ છે, જ્યારે ભાજપ પંજાબની સંસ્કૃતિ બચાવવા માંગે છે.
 
નશાખોરી અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર
મુખ્યમંત્રી ભગવંત માન પર પ્રહાર કરતા અમિતભાઈ શાહે તેમને અરવિંદ કેજરીવાલના 'પાયલોટ' ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે પંજાબનો ખજાનો હવે કેજરીવાલના 'ATM' તરીકે વપરાઈ રહ્યો છે.
•    નશામુક્તિની ગેરંટી: શાહે ગેરંટી આપી છે કે ભાજપની સરકાર બન્યાના બે વર્ષમાં પંજાબમાંથી હેરોઈન અને ડ્રગ્સ માફિયાઓને જડમૂળથી ઉખેડી ફેંકવામાં આવશે.
•    ડબલ એન્જિન સરકાર: પંજાબને દેવામાંથી મુક્ત કરવા અને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમણે 'ડબલ એન્જિન સરકાર' (કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ) ની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
શાહના આ આક્રમક તેવર અને સીધી જાહેરાતને કારણે પંજાબના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનો આ 'એકલા ચલો'નો નિર્ણય આગામી ચૂંટણીમાં કેવા પરિણામો લાવે છે.

(11:05 PM IST)