News of Saturday, 14th March 2026
વૈશ્વિક સંઘર્ષ વચ્ચે ભારતની મોટી મુત્સદ્દીગીરી સફળ: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ખોલ્યો ભારતીય જહાજો માટે રસ્તો, LPG પુરવઠાની ચિંતા હળવી

મધ્ય પૂર્વમાં વ્યાપેલા યુદ્ધના વાતાવરણ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા બંધ કરવામાં આવેલી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી ભારતીય LPG ટેન્કર્સને પસાર થવા માટે ખાસ મંજૂરી આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય રાજદૂત મોહમ્મદ ફતાલીએ આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે 'શિવાલિક' અને 'નંદા દેવી' નામના બે મુખ્ય ભારતીય LPG ટેન્કર્સ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થઈને હવે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત તરફ આગળ વધી રહ્યા છે.
ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પરિણામે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરી દીધી હતી. વિશ્વના કુલ તેલ અને ગેસના વેપારનો લગભગ 25 ટકા હિસ્સો અહીંથી પસાર થતો હોવાથી આ નાકાબંધી ભારત માટે ગંભીર આર્થિક પડકાર બની ગઈ હતી. ભારત પોતાની જરૂરિયાતના 45 ટકા ક્રૂડ ઓઈલ, 90 ટકા LPG અને 50 ટકાથી વધુ LNGનો પુરવઠો આ માર્ગે મેળવે છે. લાંબા સમયની કૂટનીતિક મંત્રણાઓ બાદ ઈરાનનું આ વલણ નરમ પડવું એ ભારત માટે મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે.
હાલમાં, સુરક્ષાના કારણોસર ભારતીય નૌકાદળના જહાજો આ ટેન્કર્સને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર સુરક્ષિત એસ્કોર્ટ કરી રહ્યા છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના વગર આંધણનો પુરવઠો સુરક્ષિત રીતે ભારતીય બંદરો સુધી પહોંચી શકે. જોકે, ઈરાને હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે કુલ કેટલા જહાજોને આ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ બંને દેશો વચ્ચેની આ હકારાત્મક પહેલથી ભારતમાં સંભવિત LPG સંકટ ટળી ગયું હોવાનું જણાય છે. આગામી દિવસોમાં અન્ય જહાજો માટે પણ આ રૂટ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જે ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
