News of Sunday, 15th March 2026
LPG ની અછત વચ્ચે દેશમાં 'ઇલેક્ટ્રિક ક્રાંતિ': ઇન્ડક્શન કુકટોપ માટે પડાપડી, રોજનું વેચાણ ૨ લાખ યુનિટને પાર
મધ્ય પૂર્વના યુદ્ધની અસર: ગેસની અછતને કારણે રસોડામાં ઇન્ડક્શનનો દબદબો, NCR બન્યું ઉત્પાદનનું મુખ્ય હબ

નવીદિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં સર્જાયેલા વિક્ષેપની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. દેશમાં LPG ગેસની તીવ્ર અછત અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે લોકોએ હવે રસોઈ માટે 'ઇન્ડક્શન કુકટોપ'નો સહારો લેવાનું શરૂ કર્યું છે. એક સમયગાળામાં જે ઇન્ડક્શન કુકટોપનું વેચાણ માંડ ૧,૦૦૦ થી ૨,૦૦૦ યુનિટ પ્રતિ મહિને હતું, તે હવે વધીને દરરોજ ૨,૦૦,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે. ગૃહિણીઓ અને આમ જનતામાં ઇન્ડક્શન ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને પગલે ઇલેક્ટ્રોનિક બજારોમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
નેશનલ કેપિટલ રિજન (NCR) હાલમાં ઇન્ડક્શન કુકટોપના ઉત્પાદન અને વિતરણ માટેનું મુખ્ય હબ બની ગયું છે. સેન્ટ્રલ રેડિયો અને ઇલેક્ટ્રોનિક મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સંજય નાગપાલે જણાવ્યું હતું કે, અચાનક આવેલી આ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદકો સાથે યુદ્ધના ધોરણે સંકલન સાધવામાં આવી રહ્યું છે. બજારમાં ઇન્ડક્શનની અછત ન સર્જાય અને ભાવમાં અસ્થિરતા ન આવે તે માટે વેપારીઓ સતત કાર્યરત છે. NCR ના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં હાલમાં ઉત્પાદન ક્ષમતાને અનેકગણી વધારી દેવામાં આવી છે જેથી દેશના ખૂણે-ખૂણે આ જરૂરી ઉપકરણ પહોંચાડી શકાય.
આ કપરા કાળમાં કાળાબજાર અટકાવવા માટે એસોસિએશને કડક વલણ અપનાવ્યું છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી રાકેશ અરોરાએ સ્પષ્ટતા કરી છે કે, વેપારીઓ નફાખોરીને બદલે 'સેવાની ભાવના' સાથે કામ કરી રહ્યા છે, જેથી સામાન્ય માણસને મુશ્કેલી ન પડે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે જ્યારે ગેસ પુરવઠો અનિશ્ચિત બન્યો છે, ત્યારે ઇન્ડક્શન કુકટોપ એક સુરક્ષિત અને સરળ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. વહીવટીતંત્ર પણ બજાર પર બાજ નજર રાખી રહ્યું છે જેથી કરીને આ જરૂરિયાતના સમયે કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી કે અનૈતિક વેપાર ન થાય.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
