News of Saturday, 14th March 2026
ઉનાળાની 'અગ્નિપરીક્ષા' માટે યોગી સરકાર સજ્જ: ઉત્તર પ્રદેશના જંગલોને આગથી બચાવવા ૧૧૬ કંટ્રોલ રૂમ તૈયાર, ૨૪ કલાક તૈનાત રહેશે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ!
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કડક આદેશ: જંગલની આગ અને વન્યજીવોની સુરક્ષામાં બેદરકારી નહીં ચલાવાય; સંવેદનશીલ વિસ્તારોમાં મોક ડ્રીલ પૂર્ણ અને વોચ ટાવર દ્વારા રાખવામાં આવશે બાજ નજર.

લખનૌ: ઉનાળાની શરૂઆત સાથે જ જંગલોમાં લાગતી આગ (Forest Fire) ની ઘટનાઓ પર લગામ કસવા માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કમર કસી લીધી છે. મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ વન વિભાગે રાજ્યભરમાં જંગલોની સુરક્ષા માટે 'માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. રાજ્યના મુખ્યાલયથી લઈને પ્રાદેશિક સ્તર સુધી કુલ ૧૧૬ અગ્નિ નિયંત્રણ કોષો (Fire Control Cells) કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જે આગામી ૧૫ જૂન સુધી ૨૪ કલાક સતર્ક રહેશે.
આ કંટ્રોલ રૂમમાં સ્ટાફ ત્રણ શિફ્ટમાં કામ કરશે જેથી કોઈપણ સમયે આગની માહિતી મળે તો તુરંત પ્રતિસાદ આપી શકાય. વિવિધ વન રેન્જમાંથી મળતી દરેક નાની-મોટી માહિતીની રજિસ્ટરમાં નોંધણી કરવામાં આવશે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.
નાગરિકો માટે હેલ્પલાઇન અને ટેકનોલોજીનો ઉપયોગ
જંગલની આગ રોકવા માટે સરકાર જનતાનો પણ સાથ લઈ રહી છે. લખનૌ મુખ્યાલય ખાતે ખાસ હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે:
• લેન્ડલાઇન: 0522-2977310, 0522-2204676
• મોબાઇલ: 9651368060, 7017112077
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર રાજ્યના ૩,૭૯૨ થી વધુ અધિકારીઓ અને જાગૃત નાગરિકોએ નોંધણી કરાવી છે, જેથી આગની ચેતવણી (Alert) મળતા જ સીધો સંપર્ક થઈ શકે.
સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ વોચ
સરકારે પાછલા વર્ષોના અનુભવોને આધારે ઘણા વિસ્તારોને 'અત્યંત સંવેદનશીલ' જાહેર કર્યા છે. જેમાં પીલીભીત વાઘ અભયારણ્ય, દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન, ચિત્રકૂટ, સોનભદ્ર અને કૈમુર વન્યજીવન વિભાગનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવામાં આવી છે અને આગ સામે લડવા માટેની મોક ડ્રીલ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
વન્યજીવોની તરસ છિપાવવા વિશેષ વ્યવસ્થા
જંગલની આગની સાથે સાથે વન્યજીવોને ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જંગલોમાં કાયમી પાણીના ખાડા (Water Pits) બનાવવામાં આવી રહ્યા છે અને જૂના ખાડાઓનું સમારકામ કરીને તેમાં નિયમિતપણે પાણી ભરવામાં આવી રહ્યું છે. જંગલની દેખરેખ માટે નવા વોચ ટાવર બનાવવાની સાથે વર્તમાન ટાવરની જાળવણી પણ તેજ કરી દેવામાં આવી છે.
વન વિભાગના મુખ્ય સંરક્ષક અદિતિ શર્માએ જણાવ્યું કે, સરકારનું લક્ષ્ય જંગલની સંપત્તિ અને વન્યજીવોને સુરક્ષિત રાખવાનું છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
