<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

અમેરિકામાં ભારતીય જ્વેલરને ત્યાં મેગા લૂંટ: માત્ર 70 સેકન્ડમાં 14 કરોડના દાગીના સાફ, ફિલ્મી સ્ટાઈલમાં ત્રાટક્યું 30 લૂંટારુઓનું ટોળું!

કેલિફોર્નિયામાં ખળભળાટ: હથોડા વડે કાચના કાઉન્ટર તોડી ગણતરીની સેકન્ડોમાં શોરૂમ ખાલી કરી નાખ્યો; જીવ બચાવવા વર્મા પરિવાર અને સ્ટાફ પાછળના ભાગે છુપાયા, લૂંટનો વીડિયો વાયરલ.

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય જ્વેલરના શોરૂમમાં થયેલી હિંસક અને આયોજનબદ્ધ લૂંટની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવી છે. માસ્ક પહેરેલા અંદાજે ૨૦ થી ૩૦ લૂંટારુઓના ટોળાએ અચાનક શોરૂમ પર હુમલો કર્યો હતો અને માત્ર ૭૦ સેકન્ડની અંદર અંદાજે ૧૪ કરોડ રૂપિયા (૧.૭ મિલિયન ડોલર) ના સોના અને હીરાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શોરૂમની બહાર એકસાથે અનેક વાહનો આવીને ઉભા રહે છે. તેમાંથી માસ્ક પહેરેલા શખ્સો હથોડા અને બેગ લઈને બહાર આવે છે. સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ તેમણે ફિલ્મી ઢબે હથોડા વડે ડિસ્પ્લે કાઉન્ટરના કાચ તોડવાનું શરૂ કરી દીધું હતું અને દાગીનાઓ બેગમાં ભરવા માંડ્યા હતા.
 
આયોજનબદ્ધ હુમલો અને વર્મા પરિવારનો બચાવ
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, લૂંટારુઓએ અત્યંત આયોજનબદ્ધ રીતે કામ કર્યું હતું. લૂંટ સમયે શોરૂમના માલિક વર્મા પરિવાર અને તેમનો સ્ટાફ અંદર જ હાજર હતો. અચાનક થયેલા હુમલા અને કાચ તૂટવાના અવાજથી ગભરાયેલા પરિવારે પોતાનો જીવ બચાવવા માટે દુકાનના પાછળના સુરક્ષિત ભાગમાં આશરો લીધો હતો. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લૂંટારુઓ શોરૂમનો ૭૫ થી ૮૦ ટકા માલ લૂંટી ગયા છે.
 
પોલીસે ચાર શંકાસ્પદોને દબોચી લીધા
લૂંટ ચલાવ્યા બાદ ગુનેગારો ચોરીના વાહનોમાં ટ્રાફિકના નિયમો તોડીને હાઈવે પર ભાગી છૂટ્યા હતા. પોલીસે તરત જ પીછો કરીને અત્યાર સુધીમાં આ કેસમાં ચાર શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ યુવકો ૧૯ થી ૨૦ વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં અન્ય લૂંટારુઓને પકડવા માટે વાયરલ વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદ લઈ રહી છે.
અમેરિકામાં ભારતીય મૂળના વેપારીઓ પર વધી રહેલા આવા હુમલાઓને કારણે ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે.

(9:32 PM IST)