News of Saturday, 14th March 2026
કોલકાતાના રણમેદાનમાં પીએમ મોદીની રેલી પૂર્વે લોહીયાળ જંગ: ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે પથ્થરમારો, પોલીસ કાફલો તૈનાત
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી પાંચ કિમી દૂર ગિરીશ પાર્કમાં ભારે હિંસા; વાહનોની તોડફોડ અને બોલાચાલી બાદ વિસ્તાર છાવણીમાં ફેરવાયો, ₹18,000 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા રેલી પૂર્વે મધ્ય કોલકાતા રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. શનિવારે ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો સામસામે આવી જતાં જોરદાર પથ્થરમારો થયો હતો. ભાજપના સમર્થકો જ્યારે 'પરિવર્તન યાત્રા' ના સમાપન રૂપે આયોજિત રેલીમાં જોડાવવા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ હિંસક અથડામણમાં અનેક કાર્યકરો લોહીલુહાણ થયા હતા અને રસ્તા પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, ભાજપ અને ટીએમસી બંને પક્ષોએ હિંસા ભડકાવવા માટે એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપનો દાવો છે કે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના તેમના પર હુમલો કરવામાં આવ્યો અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યના મંત્રી શશી પંજાના નિવાસસ્થાન પાસે પણ પથ્થરમારો થતાં ટીએમસીએ વળતો પ્રહાર કર્યો છે. મંત્રીએ દાવો કર્યો હતો કે તેમના પક્ષના અંદાજે 50 જેટલા કાર્યકરો ઘાયલ થયા છે. પથ્થરમારાની આ ઘટનામાં એક ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના નેતાને પણ ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેના પગલે ચૂંટણીલક્ષી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળી લીધો હતો અને હિંસક ટોળાને વિખેરવા માટે ભારે બળપ્રયોગ કરવો પડ્યો હતો. વડાપ્રધાન મોદી આ રેલી દરમિયાન પશ્ચિમ બંગાળ માટે ₹18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, પરંતુ તે પૂર્વે થયેલી આ હિંસાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલમાં ગિરીશ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આગામી ચૂંટણીના જંગમાં સત્તા મેળવવા માટેની બંને પક્ષો વચ્ચેની આક્રમક રસાકસીના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
