ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
મુંબઈ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: હેન્ડબેગના ગુપ્ત ખાનામાં છુપાવેલા ૩ કરોડના ડોલર, પાઉન્ડ અને હીરાનો જથ્થો જપ્ત કરી દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું
હવાલા ઓપરેટર અને હેન્ડલર સહિત કુલ 6 શખ્સોની ધરપકડ; વિદેશી કરન્સી અને કિંમતી હીરાના ગેરકાયદે વહન દ્વારા ભારતની આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકતા સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરતી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ

મુંબઈ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની મુંબઈ યુનિટે આર્થિક ગુનાખોરી વિરુદ્ધ લાલ આંખ કરીને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અત્યંત સુનિયોજિત દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન, એરપોર્ટ પરથી આશરે 3 કરોડ રૂપિયાની કિંમતના અમેરિકન ડોલર, બ્રિટિશ પાઉન્ડ અને કિંમતી હીરાનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દાણચોરોએ કાયદાની નજરમાંથી બચવા માટે મહિલાઓની હેન્ડબેગમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના (ફોલ્સ કેવીટી) બનાવ્યા હતા, જેમાં આ નાણાં અને હીરા અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યા હતા.
DRI ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ભારતની સંપત્તિ ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે ચાર મુસાફરો ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતા, ત્યારે જ તેમને અટકાવી સઘન તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ગયા હતા, કારણ કે દાણચોરોએ તેમની હેન્ડબેગમાં અત્યંત ચતુરાઈથી 'નકલી ખિસ્સા' (ફોલ્સ કેવિટી) બનાવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓમાંથી ₹1.93 કરોડના મૂલ્યના પાઉન્ડ સ્ટર્લિંગ અને યુએસ ડોલર મળી આવ્યા હતા, જેનો કોઈ જ હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મુસાફરો પાસે નહોતા.
આ ઓપરેશનમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ચલણી નોટોની સાથે હીરાની 53 નાની બેગ પણ મળી આવી. આ જપ્ત કરાયેલા હીરાની બજાર કિંમત આશરે ₹1.10 કરોડ આંકવામાં આવી છે. DRI એ આ મામલે ઊંડી તપાસ કરતા માલુમ પડ્યું કે આ માત્ર થોડા મુસાફરોનો ખેલ નથી, પરંતુ તેની પાછળ એક મોટું હવાલા નેટવર્ક કામ કરી રહ્યું છે. ત્વરિત કાર્યવાહી કરતા એજન્સીએ ચલણની વ્યવસ્થા કરનાર હવાલા ઓપરેટરને પણ દબોચી લીધો છે. હાલમાં તમામ 6 આરોપીઓ વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ તેજ કરવામાં આવી છે.
આ મામલે DRI દ્વારા સઘન પૂછપરછ અને તપાસ બાદ કુલ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિદેશ જઈ રહેલા મુસાફરો ઉપરાંત, આ સમગ્ર ઓપરેશનનું સંચાલન કરનાર હેન્ડલર અને નાણાકીય વ્યવહાર સંભાળનાર હવાલા ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા મુસાફરો પાસે આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ કે હીરા રાખવા માટેના કોઈ માન્ય દસ્તાવેજો કે જાહેરાત પત્રકો (ડિક્લેરેશન) મળી આવ્યા ન હતા. DRI એ આ તમામ અસ્કયામતોને કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરી છે. ભારતની આર્થિક સુરક્ષા અને સ્થિરતાને નુકસાન પહોંચાડતા હવાલા અને સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટે DRI દ્વારા હાલમાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
