<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ટ્રેનમાં મુસાફરોની રક્ષા ભગવાન ભરોસે? ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસમાં દંપતીને માર મારી લૂંટ કરનાર ત્રિપુટી જેલના સળિયા પાછળ

સુરત-ઉધના વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવી લૂંટને અંજામ આપનાર કુખ્યાત ગેંગનો પર્દાફાશ; રેલવે LCB ની ટીમે સચીનમાંથી ત્રણ બદમાશોને દબોચી લેતા સુરત રેલવે સ્ટેશનના અન્ય ત્રણ ગુનાઓનો પણ થયો ભેદ ઉકેલ

સુરત: સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક નિર્દોષ મુસાફર સાથે બનેલી લૂંટની ઘટનાએ રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગત 9 માર્ચના રોજ સતીષભાઈ પૈધુરી જ્યારે પોતાની પત્ની સાથે સુરતથી વારંગલ જવા નીકળ્યા હતા, ત્યારે ટ્રેનના વોશરૂમ કોરીડોર પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને ઘેરી લીધા હતા. આ બદમાશોએ મુસાફરને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ખિસ્સામાં રહેલા પત્નીના કિંમતી સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેનાથી મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

આ ગંભીર ગુનાના ભેદને ઉકેલવા રેલવે LCB ની ટીમ સક્રિય થઈ હતી. પોલીસની ટીમે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મેળવી હતી કે, આ લૂંટમાં સામેલ શખ્સો સચીન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર પર ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સચીન નવસારી રોડ પર દાવત રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી સદ્દામ ઉર્ફે મૌલાના જાફર મનીયાર, અરબાઝ ઉર્ફે ચીકટ ઈકબાલ શેખ અને અફઝલ ઉર્ફે શાહરુખ શાહ નામના ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ માત્ર આ લૂંટ જ નહીં, પરંતુ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આચરેલી અન્ય ત્રણ ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી હતી. લાંબા સમયથી રેલવે પરિસરમાં મુસાફરોને નિશાન બનાવતી આ ગેંગની ધરપકડથી રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. આ ધરપકડથી રેલવેમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ટ્રેનમાં વધતા ગુનાખોરીના પ્રમાણને લઈને પ્રવાસીઓમાં હજુ પણ ચિંતાનો માહોલ છે.

(11:30 PM IST)