News of Sunday, 15th March 2026
ડોક્ટર કે કસાઈ? માથાના ઘા પર ટાંકાને બદલે સ્ટેપલર પિન મારી, બિહારમાં તબીબી બેદરકારીનો વીડિયો વાયરલ
મેડિકલ જગત શર્મસાર: ગંભીર ઈજા પર કાગળ જોડવાની પિનનો ઉપયોગ, દર્દીના જીવ સાથે ચેડાં

નવીદિલ્હી: બિહારના નવાદા જિલ્લાના વારીસાલીગંજ વિસ્તારમાંથી તબીબી જગતને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ગંભીર ઈજાઓ પર ડોક્ટર દ્વારા યોગ્ય ટાંકા (Stitches) લેવામાં આવે છે, પરંતુ અહીં એક ક્લિનિકમાં ઈજાગ્રસ્ત દર્દીના માથાના ઘાને જોડવા માટે કાગળ જોડવાની સામાન્ય સ્ટેપલર પિનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પીડિત વ્યક્તિના માથામાં ત્રણ સ્ટેપલર પિન સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાએ માત્ર તબીબી જગતની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી બોગસ તબીબી પ્રેક્ટિસ પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વીડિયોમાં પીડિત વ્યક્તિ પોતાની આપવીતી જણાવતા કહે છે કે, માથામાં ગંભીર ઈજા અને લોહી વહી રહ્યું હોવાને કારણે તે નજીકના જ એક ડોક્ટર પાસે સારવાર માટે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે ડોક્ટર ઘાને સાફ કરી ટાંકા લેશે, પરંતુ ડોક્ટરે દર્દીની જીંદગી સાથે ચેડાં કરતા કોઈ પણ પ્રકારના મેડિકલ સાધનો વાપરવાને બદલે સ્ટેપલર પિનથી જ ઘાને 'ટાંકી' દીધો હતો. આ રીતે કરવામાં આવેલી સારવાર કોઈ પણ દ્રષ્ટિકોણથી માન્ય નથી, કારણ કે સ્ટેપલર પિનના કારણે દર્દીને માત્ર અસહ્ય પીડા જ નહીં, પરંતુ ગંભીર પ્રકારના ઈન્ફેક્શન (ટીટેનસ કે સેપ્ટિક) થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો તેને 'ડૉક્ટર' નામનું કલંક ગણાવી રહ્યા છે અને આવા ઠગ તબીબો સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આરોગ્ય સુવિધાઓના અભાવે ગરીબ દર્દીઓ ઘણીવાર આવા ક્વોક (Quacks) ડોક્ટરોના શિકાર બની જાય છે, જેઓ માનવીય જીંદગીની કિંમત સમજ્યા વગર આવી જોખમી પદ્ધતિઓ અપનાવે છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હવે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરે તેવી શક્યતા છે, જેથી સત્ય બહાર આવે અને ભવિષ્યમાં કોઈ નિર્દોષ દર્દીને આવી ભયાનક સ્થિતિનો સામનો ન કરવો પડે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
