<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ઉત્તર કાશ્મીરના બારામુલ્લાં જિલ્લાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીનો મોટો પ્રયાસ સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો

જડબાતોડ જવાબ : ઓપરેશન 'ઓપરેશન ડિગ્ગી ૨' દરમિયાન એક આતંકી ઠાર, હથિયારોનો જંગી જથ્થો જપ્ત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરીના પ્રયાસોને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ (જેકેપી) દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત 'ઓપરેશન ડિગ્ગી ૨' દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. 

 

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આપેલી સત્તાવાર માહિતી મુજબ, પોલીસની ગુપ્તચર માહિતીના આધારે ૧૪ અને ૧૫ માર્ચની મધ્યરાત્રિએ ઉરી સેક્ટરના બુછાર વિસ્તારમાં આ સઘન ઘૂસણખોરી વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

 

ઓપરેશન દરમિયાન સતર્ક જવાનોએ સરહદ નજીક ઝાડીઓમાં આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. સુરક્ષા દળોએ વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરીને આતંકવાદીઓને શરણે થવા પડકાર્યા હતા. પરંતુ, આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દેતાં સેનાએ વળતો પ્રહાર કર્યો હતો, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. 

 

માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે-૪૭ રાઇફલ, એક પિસ્તોલ અને મોટા પ્રમાણમાં દારૂગોળો સહિતની યુદ્ધસામગ્રી મળી આવી છે. અન્ય ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, બરફ પીગળવાની શરૂઆત થતાં જ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા આતંકવાદીઓને ભારતીય સીમામાં ઘૂસાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 

 

હાલમાં આ વિસ્તારમાં અન્ય કોઈ આતંકી છુપાયેલો છે કે કેમ તેની તપાસ માટે સેનાનું સઘન સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.

(10:53 AM IST)