<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમેરિકી એજન્સીનો ઘટસ્ફોટ: ૨૬૦ લોકોના મોત પાછળ પાયલટ નહીં પણ 'ઇલેક્ટ્રિકલ ફેલ્યોર' જવાબદાર: તપાસકર્તાઓએ જાણીજોઈને ટેકનિકલ ખામીઓ છુપાવી હોવાનો સનસનીખેજ દાવો

વિમાનમાં અગાઉ પણ અનેક વખત શોર્ટ સર્કિટ થવી, વાયરિંગમાંથી ધુમાડો નીકળવો જેવી ગંભીર ઘટનાઓ નોંધાઈ હતી. આ સમસ્યાઓને કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ પણ કરાવવું પડ્યું હતું અને તેનું 'પી૧૦૦ પાવર પેનલ' પણ બદલવામાં આવ્યું હતું.

​ગાંધીનગર: જૂન ૨૦૨૫માં અમદાવાદમાં સર્જાયેલી અત્યંત ભયાનક વિમાન દુર્ઘટનાના મામલે હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ અકસ્માતમાં ૨૬૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને અત્યાર સુધી પાયલટની ભૂલ હોવાનું માનવામાં આવતું હતું. જોકે, અમેરિકાની પ્રતિષ્ઠિત એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડી પિયર્સને તપાસકર્તાઓને મોકલેલા એક ગુપ્ત ઈમેલમાં સનસનીખેજ દાવો કર્યો છે કે, આ દુર્ઘટના પાછળ મુખ્ય કારણ પાયલટની ભૂલ નહીં પરંતુ વિમાનની ગંભીર 'ઇલેક્ટ્રિકલ ખામી' (વીજળીક ખામી) હતી.

​પિયર્સનના દાવા મુજબ, દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર (રજિસ્ટ્રેશન વીટી-એએનબી) ના દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે આ વિમાનમાં લાંબા સમયથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સની સમસ્યાઓનો ઈતિહાસ હતો. 

વિમાનમાં અગાઉ પણ અનેક વખત શોર્ટ સર્કિટ થવી, વાયરિંગમાંથી ધુમાડો નીકળવો જેવી ગંભીર ઘટનાઓ નોંધાઈ હતી. આ સમસ્યાઓને કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ પણ કરાવવું પડ્યું હતું અને તેનું 'પી૧૦૦ પાવર પેનલ' પણ બદલવામાં આવ્યું હતું. 

 

એડી પિયર્સને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ વિમાનને તાત્કાલિક ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી, જેને સદંતર અવગણવામાં આવી હતી.

 

​વધુમાં, તપાસ એજન્સીઓ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) એ ઘટનાના નવ મહિના પહેલા સુધી કોઈ નક્કર ભલામણ કરી નહોતી. 

 

એવો આક્ષેપ છે કે તપાસકર્તાઓએ જાણીજોઈને એવો રિપોર્ટ તૈયાર કર્યો હતો જેથી તમામ જવાબદારી મૃતક પાયલટ્સ પર ઢોળી શકાય અને વિમાન ઉત્પાદક કંપનીની ટેકનિકલ ખામીઓને છુપાવી શકાય. આ ખુલાસા બાદ હવે પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ફરીથી નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યા છે. જો આ દાવા સાચા સાબિત થશે, તો એરલાઇન અને વિમાન ઉત્પાદક કંપની માટે મોટી કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે.

(12:41 PM IST)