<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

કોઈપણ ટીમ સંસ્થાથી મોટી નથી: T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ અને પાકિસ્તાને કરેલા હોબાળા પર આઈસીસી પ્રમુખ જય શાહની કડક પ્રતિક્રિયા

સુરક્ષાના બહાને ટુર્નામેન્ટમાંથી પીછેહઠ કરનાર બાંગ્લાદેશ સામે આકરાં પગલાં અને પાકિસ્તાનની બહિષ્કારની ધમકી બાદ જય શાહનું મુંબઈમાં મહત્વનું નિવેદન; વર્લ્ડ કપમાં વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તૂટ્યા હોવાનો પણ કર્યો દાવો

મુંબઈ:આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ જય શાહે ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપ પૂર્વે સર્જાયેલા વિવાદો અને બાંગ્લાદેશ-પાકિસ્તાનની ક્રિકેટ ટીમોના વલણ સામે મૌન તોડતા કડક વલણ અપનાવ્યું છે. મુંબઈમાં આયોજિત 'ઈન્ડિયન બિઝનેસ લીડર એવોર્ડ્સ' માં બોલતા જય શાહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કોઈપણ દેશ કે ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થા કરતા મોટી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ એક ટીમથી સંસ્થાની ઓળખ નથી બનતી, પરંતુ તમામ ટીમો સાથે મળીને રમે ત્યારે જ ક્રિકેટનો વિકાસ શક્ય છે.
વર્લ્ડ કપની શરૂઆત પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. આઈસીસી દ્વારા સુરક્ષાની ખાતરી આપવામાં આવી હોવા છતાં બાંગ્લાદેશે પીછેહઠ કરતા આઈસીસીએ કડક કાર્યવાહી કરીને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા હતા અને તેમના સ્થાને સ્કોટલેન્ડની ટીમને ગ્રુપ-સીમાં સ્થાન આપ્યું હતું. બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને પણ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી, જોકે બાદમાં પાકિસ્તાને પોતાનો નિર્ણય બદલીને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા જય શાહે કહ્યું કે, "આ વર્લ્ડ કપ ખૂબ જ મહત્વપૂર્ણ હતો કારણ કે શરૂઆત પહેલા અનેક અટકળો હતી, પરંતુ સંસ્થા ક્યારેય કોઈના દબાણમાં આવતી નથી."
આ ટુર્નામેન્ટે વ્યુઅરશિપના મામલે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જય શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમ વખત ૭.૨ મિલિયન (૭૨ લાખ) થી વધુ દર્શકોએ એક સાથે મેચ નિહાળી હતી. તેમણે નાની ટીમોના પ્રદર્શનની પણ પ્રશંસા કરતા કહ્યું કે યુએસએ, નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે અને નેપાળ જેવી ટીમોએ મોટી ટીમોને જોરદાર લડત આપી હતી, જે રમત માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.
ભવિષ્યના આયોજન અંગે વાત કરતા તેમણે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ગૌતમભાઈ અને સૂર્યાએ આગામી ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિક તેમજ ૨૦૩૦-૩૧ ના મેગા ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આયોજન કરવું જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે ટોચ પરથી નીચે પડતા માત્ર થોડા મહિના લાગે છે, પરંતુ તળિયેથી ફરી ટોચ પર પહોંચતા વર્ષોની મહેનત લાગે છે. આમ, જય શાહે શિસ્ત અને રમતની ગરિમા જાળવવા પર ભાર મૂકીને વિવાદ કરનાર ટીમોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.

(3:41 PM IST)