News of Sunday, 15th March 2026
કુદરતનો અજીબોગરીબ કરિશ્મા: મધ્યપ્રદેશના સાગરમાં બોરવેલમાંથી પાણીના બદલે અગ્નિની જ્વાળાઓ નીકળતા પંથકમાં ભારે ગભરાટ
જમીનમાંથી અનેક ફૂટ ઊંચા અગ્નિના લપેટા ઉઠતા ગ્રામજનોમાં કુતૂહલ અને ભયનો માહોલ: ભૂગર્ભમાં કુદરતી ગેસના ભંડાર હોવાની અટકળો વચ્ચે વહીવટી તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમ તપાસ માટે દોડી ગઈ

સાગર:મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને દુર્લભ ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં ખોદવામાં આવેલા બોરવેલમાંથી પાણીના સ્થાને અચાનક અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી છે. આ ઘટના સાગર જિલ્લાના જેસીનગર બ્લોક હેઠળ આવતા પચૈની ગામની છે. ખેડૂત દ્વારા ખેતીકામ માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા હેતુથી લાખોના ખર્ચે બોરવેલ કરાવવામાં આવ્યો હતો, પરંતુ પરિણામ અણધાર્યું આવતા સમગ્ર પંથકમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, પચૈની ગામના રહેવાસી ખેડૂતના ખેતરમાં જ્યારે બોરિંગનું કામ પૂર્ણ થયું અને પાઈપ લાઈન નાખવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અચાનક જમીનની અંદરથી ગગડાટ જેવો અવાજ સંભળાયો હતો. ગ્રામજનો કંઈ સમજે તે પહેલાં જ બોરવેલના મુખમાંથી અનેક ફૂટ ઊંચી અગ્નિની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર મજૂરો અને ખેડૂત પરિવાર ભયભીત થઈ ગયા હતા. જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે તેને દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતી હતી.
આ વિચિત્ર ઘટનાની જાણ થતા જ આસપાસના ગામોમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક રહીશો આને કુદરતી ચમત્કાર માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે. ખેડૂત દ્વારા તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા તહેસીલદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને લોકોને બોરવેલની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ઘણીવાર જમીનની અંદર લાખો વર્ષોથી દબાયેલા જૈવિક કચરાને કારણે મિથેન જેવા જ્વલનશીલ કુદરતી ગેસના ભંડાર બની જતા હોય છે. જ્યારે બોરવેલ દ્વારા જમીનમાં છિદ્ર કરવામાં આવે છે, ત્યારે ભારે દબાણ સાથે આ ગેસ બહાર આવે છે અને ઓક્સિજનના સંપર્કમાં આવતા અથવા કોઈ ઘર્ષણના કારણે તે અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે. વહીવટી તંત્ર દ્વારા હવે હાયર ઓથોરિટી અને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના નિષ્ણાતોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી જમીનની નીચે ગેસનો કેટલો જથ્થો છે અને તે કેટલો જોખમી છે તેની સચોટ માહિતી મેળવી શકાય. હાલમાં આ 'અગ્નિ ઓકતા બોરવેલ'નો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
