<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ગેસ સંકટનો હાહાકાર: 950નો સિલિન્ડર 3500માં વેચાતા પ્રજામાં રોષ, દેશભરની ગેસ એજન્સીઓ પર લાંબી કતારો અને અંધાધૂંધી

યુદ્ધના વાદળો અને પુરવઠામાં ઘટાડાને પગલે દેશના મધ્ય અને ઉત્તર રાજ્યોમાં હાહાકાર: કાળાબજારીએ માઝા મૂકી, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 5000ને પાર

નવી દિલ્હી/રાજકોટ: ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના વધતા તણાવ અને યુદ્ધની ગંભીર અસરો હવે ભારતીય રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશના મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એલપીજી (LPG) ગેસનું ગંભીર સંકટ સર્જાયું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે સામાન્ય રીતે 950 રૂપિયામાં મળતો ઘરેલું સિલિન્ડર બ્લેકમાં 3500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે હોટલ-રેસ્ટોરન્ટ માટે વપરાતા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 5000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગેસ એજન્સીઓ અને ગોડાઉન બહાર વહેલી પરોઢથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે આ આર્થિક અને સામાજિક કટોકટીની ગંભીરતા દર્શાવે છે.

પંજાબના અમૃતસર, જલંધર અને ચંડીગઢ જેવા શહેરોમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં તો છ દિવસથી 50 હજારથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટને કોમર્શિયલ સિલિન્ડર મળ્યા નથી, જેના કારણે ઘણા વેપારીઓએ પોતાનું મેનૂ બદલવું પડ્યું છે અથવા ધંધા બંધ કરવાની નોબત આવી છે. નાના બાળકો અને વૃદ્ધો તડકામાં કલાકો સુધી રાહ જોવા છતાં ખાલી હાથે ઘરે પરત ફરી રહ્યા છે. રાજસ્થાનમાં તો સીએનજી (CNG) પંપો પર ઓટો રિક્ષાની કિલોમીટર લાંબી લાઈનો લાગી છે, જ્યાં ચાલકો રાત-રાતભર સ્ટેશન બહાર રોકાઈ રહ્યા છે.

આ સંકટ વચ્ચે સરકારે હવે એક નવા નિયમની જાહેરાત કરતા લોકોની ચિંતામાં વધારો કર્યો છે. હવે કોઈપણ ઘરમાં PNG (પાઈપ ગેસ) અને LPG (સિલિન્ડર) બંને કનેક્શન રાખવા ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. જે ગ્રાહકો પાસે હાલમાં PNG કનેક્શન સક્રિય છે, તેઓ હવે LPG સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે નહીં અને તેમણે પોતાનું ઘરેલું LPG કનેક્શન વિભાગને તરત જ સરન્ડર કરવું પડશે. આ આદેશ બાદ ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે કારણ કે ઈંધણના પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે લોકો પાસે રહેલો એકમાત્ર સુરક્ષિત વિકલ્પ પણ છીનવાઈ રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.

હરિયાણામાં ઇંધણની અછતની આશંકાએ લોકો ડીઝલનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે, જેને પગલે વહીવટી તંત્રએ પેટ્રોલ પંપ સંચાલકોને જરૂરિયાત મુજબ જ વેચાણ કરવાના કડક આદેશો આપ્યા છે. આખા દેશમાં પ્રવર્તતી આ અરાજકતાએ સામાન્ય માણસના બજેટને તોડફોડ કરી નાખ્યું છે. અધિકારીઓ ગભરાટ ન ફેલાવવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રસોડાના ચૂલા ઠંડા પડવા લાગ્યા છે. ઈંધણ પુરવઠાની આ ખેંચતાણ અને કાળાબજારી ક્યારે અટકશે તે અંગે પ્રજામાં મોટો સવાલ છે, કારણ કે આર્થિક મોંઘવારીની સાથે સાથે હવે ઈંધણની અછત પણ લોકોના જીવન પર ભારે પડી રહી છે.

(4:38 PM IST)