News of Sunday, 15th March 2026
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી: ચૂંટણી પંચની પત્રકાર પરિષદની મહત્વની જાહેરાતો: આદર્શ આચારસંહિતાનો તાત્કાલિક અમલ: ઈવીએમ માં રંગીન ફોટોગ્રાફ્સ: ૧૦૦% વેબકાસ્ટિંગ અને બાજ નજર: તમામ બૂથ કર્મચારીઓ માટે ઓળખ કાર્ડ ફરજિયાત
પશ્ચિમ બંગાળમાં ૬૦ લાખ શંકાસ્પદ મતદારોના કેસની તપાસ ચૂંટણી પંચ દ્વારા ચાલુ રહેશે: કોર્ટની મંજૂરી બાદ જ પૂરક મતદાર યાદીઓ પ્રકાશિત કરવામાં આવશે: ૮.૫ લાખ સુરક્ષા કર્મચારીઓ સાથે ભારે સુરક્ષા બંદોબસ્ત: સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ની ૧૫૦૦ કંપનીઓ (આશરે ૧.૪ લાખ જવાનો) ઉતારાશે

નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે આજે નવી દિલ્હી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી, જેની વિગતો નીચે મુજબ છે:
પત્રકાર પરિષદમાં હાજર રહેલા ચૂંટણી પંચના અધિકારીઓ:
* જ્ઞાનેશ કુમાર - મુખ્ય ચૂંટણી કમિશનર (ચીફ ઇલેક્શન કમિશનર)
* સુખબીર સિંહ સંધુ - ચૂંટણી કમિશનર (ઇલેક્શન કમિશનર)
* વિવેક જોશી - ચૂંટણી કમિશનર (ઇલેક્શન કમિશનર)
ચૂંટણી પંચની મુખ્ય અને મહત્વની જાહેરાતો ( ઉડતી નજરે):
આદર્શ આચારસંહિતાનો તાત્કાલિક અમલ: ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાંની સાથે જ પાંચેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આદર્શ આચારસંહિતા ( મોડેલ કોડ ઓફ કન્ડક્ટ) તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવી છે. હવે સરકાર અને રાજકીય પક્ષોએ ચૂંટણી પંચના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.
ઈવીએમ માં રંગીન ફોટોગ્રાફ્સ: આ ચૂંટણીઓમાં મતદાતાઓની સરળતા માટે ઈવીએમ મશીનોમાં તમામ ઉમેદવારોના નામ અને ચૂંટણી ચિહ્નની સાથે તેમના રંગીન ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવશે.
૧૦૦% વેબકાસ્ટિંગ અને કડક નજર: પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે દરેક મતદાન મથક (બૂથ) પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી ચૂંટણી પંચ સીધી નજર રાખી શકશે.
ઓળખ કાર્ડ ફરજિયાત: ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ બૂથ કર્મચારીઓને ફરજિયાતપણે સત્તાવાર ઓળખ કાર્ડ ( આઈડી કાર્ડસ) આપવામાં આવશે.
ભારે સુરક્ષા બંદોબસ્ત: શાંતિપૂર્ણ અને ભયમુક્ત ચૂંટણીઓ યોજવા માટે અંદાજે ૮.૫ લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો ( સીએપીએફ) ની ૧૫૦૦ થી વધુ કંપનીઓ (આશરે ૧.૪ લાખ જવાનો) ઉતારવામાં આવશે.
ચૂંટણીનો વ્યાપ અને આંકડા: આ પાંચ રાજ્યોમાં કુલ ૮૨૪ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે, જેના માટે કુલ ૨.૧૯ લાખ મતદાન મથકો ઊભા કરવામાં આવશે. મતગણતરીના દિવસે ૪૦,૦૦૦ કર્મચારીઓ ફરજ બજાવશે.
પશ્ચિમ બંગાળ મતદાર યાદી અંગે વિશેષ સૂચના: પશ્ચિમ બંગાળમાં આશરે ૬૦ લાખ શંકાસ્પદ મતદારોના કેસની તપાસ ચૂંટણી પંચ દ્વારા ચાલુ રાખવામાં આવશે અને કોર્ટની મંજૂરી મળ્યા બાદ જ પૂરક મતદાર યાદીઓ પ્રકાશિત કરવામાં આવશે.
ચૂંટણીનો સંક્ષિપ્ત કાર્યક્રમ:
* આસામ, કેરળ અને પુડુચેરી: ૯ એપ્રિલ (એક જ તબક્કામાં મતદાન)
* તમિલનાડુ: ૨૩ એપ્રિલ (એક જ તબક્કામાં મતદાન)
* પશ્ચિમ બંગાળ: ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલ (બે તબક્કામાં મતદાન)
મતગણતરી (તમામ રાજ્યો):
૪ મે, ૨૦૨૬
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
