News of Sunday, 15th March 2026
તેલંગાણામાં હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ: સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સહિત 11 લોકોની ધરપકડ, પોલીસ પર ગોળીબાર થતા મચ્યો ખળભળાટ
ફાર્મહાઉસમાં મોડી રાત્રે ચાલતી રંગરેલિયાની મહેફિલ પર પોલીસનો દરોડો: દારૂના નશામાં ચકચૂર નેતાઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી માદક પાવડર મળી આવતા રાજકારણમાં ગરમાવો

રંગારેડ્ડી:તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક ફાર્મહાઉસ પર આયોજિત ખાનગી પાર્ટીમાં પોલીસે કરેલા દરોડાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. જ્યારે પોલીસની ટીમ બાતમીના આધારે નવલુર નજીકના આ ફાર્મહાઉસ પર પહોંચી, ત્યારે ત્યાંનું દ્રશ્ય ચોંકાવનારું હતું. અહીં મોટી સંખ્યામાં અગ્રણી વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ નશાની હાલતમાં પાર્ટી કરી રહ્યા હતા. જેવી પોલીસની ટીમ અંદર પ્રવેશી, કે તરત જ એક રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિએ પોલીસ પર પિસ્તોલ વડે ફાયરિંગ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે બહાદુરીપૂર્વક પરિસ્થિતિ પર કાબૂ મેળવી તમામ 11 લોકોને ઝડપી લીધા હતા.
આ મામલે ચેવેલા વિસ્તારના ડીસીપી યોગેશ ગૌતમે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન ફાર્મહાઉસમાંથી બે ગ્રામ સફેદ માદક પાવડર જપ્ત કરવામાં આવ્યો છે, જેણે આ પાર્ટીના કાળા રહસ્યો છતા કર્યા છે. પાર્ટીમાં ટીડીપીના વર્તમાન સાંસદ પુટ્ટા મહેશ કુમાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય પાયલટ રોહિત રેડ્ડી સહિતના પ્રભાવશાળી લોકો હાજર હતા. પોલીસે જ્યારે તમામની તબીબી તપાસ કરાવી, ત્યારે સાંસદ પુટ્ટા મહેશ કુમાર સહિત કુલ છ લોકોના ડ્રગ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે.
ઘટનાની ગંભીરતા સમજતા ઈગલ ફોર્સના એસપી આર. ગિરધરે જણાવ્યું કે, ફાર્મહાઉસમાં પ્રવેશતાની સાથે જ પોલીસને ગોળીબારના અવાજો સંભળાયા હતા. હથિયાર સાથે પકડાયેલા નમિત શર્મા નામના વ્યક્તિએ જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે પૂર્વ ધારાસભ્ય રોહિત રેડ્ડીના ભાઈ રિતેશ રેડ્ડીના નામે લાયસન્સ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને તેમના બ્લડ સેમ્પલ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
આ હાઈ-પ્રોફાઈલ કેસે કાયદો અને વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જનપ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓનું આ રીતે ડ્રગ્સ સાથે પકડાવું તે સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો સૌના માટે સમાન છે અને આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. સંપૂર્ણ તપાસ રિપોર્ટ મળ્યા બાદ આમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટના બાદ હવે એ તપાસનો વિષય બન્યો છે કે આ નશીલા પદાર્થોનો પુરવઠો ક્યાંથી આવતો હતો અને આ મહેફિલ પાછળનો મુખ્ય માસ્ટરમાઈન્ડ કોણ છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
