News of Sunday, 15th March 2026
શેરબજારમાં ‘બ્લૅક વીક’: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની જ્વાળામાં દલાલ સ્ટ્રીટ ભડકે બળી : રોકાણકારોના ₹4.48 લાખ કરોડ સ્વાહા
વૈશ્વિક અશાંતિ અને ક્રૂડ ઓઇલના ઉછાળાએ ભારતીય શેરબજારના પાયા હચમચાવ્યા : સેન્સેક્સ અને નિફ્ટીમાં 5% થી વધુનો જંગી કડાકો બોલાતા દિગ્ગજ કંપનીઓના માર્કેટ કેપમાં સુનામી જેવો ઘટાડો જોવા મળ્યો

મુંબઈ: મધ્ય પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવે વૈશ્વિક અર્થતંત્રમાં ફાળકો પાડ્યો છે, જેની સીધી અને ગંભીર અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો રોકાણકારો માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછા નહોતા, જેમાં સેન્સેક્સ 4,355 પોઈન્ટ્સ અને નિફ્ટી 1,299 પોઈન્ટ્સ ગબડ્યા હતા. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા અણધાર્યા વધારાએ મોંઘવારી વધવાની ભીતિ જગાડી છે, જેના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટા પાયે વેચવાલી કરી છે. આ પાંચ દિવસોમાં બજારની રૌનક જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ ચારેબાજુ લાલ નિશાન જ જોવા મળ્યું હતું.
આ આર્થિક ભૂકંપમાં દેશની ટોચની 10 બ્લુ-ચિપ કંપનીઓને સૌથી મોટો ફટકો પડ્યો છે. બેન્કિંગ સેક્ટરના બે મહારથીઓ, SBI અને HDFC બેંક, આ ઘટાડામાં સૌથી વધુ રગદોળાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રોકાણકારોએ માત્ર એક સપ્તાહમાં અંદાજે ₹89,000 કરોડ ગુમાવ્યા છે, જે કોઈપણ એક સરકારી બેંક માટે મોટો આંચકો ગણાય. HDFC બેંક અને ICICI બેંક જેવી ખાનગી બેંકોના માર્કેટ કેપમાં પણ ગાબડા પડતા રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ થયું છે. આ ઘટાડો દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધે છે, ત્યારે સૌથી પહેલા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર પર તેની માઠી અસર પડે છે.
માત્ર બેંકો જ નહીં, પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી લઈને ટાટાની TCS સુધીની તમામ દિગ્ગજ કંપનીઓના ગ્રાફ નીચે ઉતર્યા છે. રિલાયન્સે ₹33,289 કરોડ ગુમાવ્યા હોવા છતાં તે હજુ પણ બજારમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન ટકાવી રાખવામાં સફળ રહી છે, જે તેની મજબૂતી દર્શાવે છે. જોકે, આઈટી જાયન્ટ્સ TCS અને ઇન્ફોસિસ તેમજ ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી ભારતી એરટેલ પણ બજારના આ પ્રવાહમાં વહી ગઈ છે. હાલમાં રોકાણકારોમાં ભયનો માહોલ છે અને સૌની નજર હવે યુદ્ધના આગામી વળાંક અને ક્રૂડ ઓઇલના ભાવ પર ટકેલી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
