News of Sunday, 15th March 2026
વરદાન કે ભ્રમ? કસરત કરનારા દારૂના શોખીનો માટે રાહતના સમાચાર : પણ સાવધ રહેવું જરૂરી!
બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના ચોંકાવનારા સંશોધનમાં દાવો: પરસેવો પાડવાથી આલ્કોહોલથી થતા કેન્સર અને હૃદયરોગના જોખમમાં ઘટાડો શક્ય : 36,000 લોકો પર કરાયેલા અભ્યાસમાં વિજ્ઞાને ખોલ્યા નવા દ્વાર

અમદાવાદ: આજના ભાગદોડભર્યા યુગમાં દારૂનું સેવન અને બદલાતી જીવનશૈલી હાર્ટ એટેક તથા લિવરની બીમારીઓ માટે મુખ્ય કારણ માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સ્કોટલેન્ડ અને યુકેના 36,000 થી વધુ લોકો પર કરાયેલા એક વિશાળ સર્વેક્ષણમાં એક અત્યંત રસપ્રદ તારણ બહાર આવ્યું છે. આ સંશોધન મુજબ, જે લોકો નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરે છે, તેમના શરીરમાં દારૂથી થતી નકારાત્મક અસરો અને તેના કારણે થતા અકાળ મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. વિજ્ઞાનીઓના મતે, કસરત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે આલ્કોહોલ દ્વારા પેદા થતા ઓક્સિડેટીવ તણાવ અને બળતરા (inflammation) ને ડામવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ અભ્યાસમાં સહભાગીઓને છ અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્યારેય દારૂ ન પીનારાથી લઈને અતિશય દારૂ પીનારાઓનો સમાવેશ થતો હતો. સંશોધકોએ નોંધ્યું કે જેઓ ભારે માત્રામાં દારૂ પીતા હતા પરંતુ બિલકુલ સક્રિય નહોતા, તેમનામાં કેન્સર અને હૃદયરોગથી મૃત્યુનું જોખમ 40% જેટલું વધારે જોવા મળ્યું હતું. તેની સામે, સમાન માત્રામાં દારૂ પીવા છતાં જેઓ નિયમિત જિમ, દોડવા કે અન્ય કસરતોમાં વ્યસ્ત હતા, તેમના સ્વાસ્થ્યના આંકડા પ્રમાણમાં સારા જોવા મળ્યા હતા. આનો અર્થ એ થયો કે શારીરિક સક્રિયતા દારૂના ઝેર સામે રક્ષણાત્મક કવચ જેવું કામ કરી શકે છે, જોકે આનો અર્થ બિલકુલ એવો નથી કે દારૂ પીવો સ્વાસ્થ્યપ્રદ છે.
નિષ્ણાતો ચેતવણી આપતા જણાવે છે કે કસરત એ દારૂના નુકસાનનું સંપૂર્ણ નિવારણ નથી, પણ માત્ર એક રાહત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, 18 થી 64 વર્ષના લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 થી 300 મિનિટ કસરત કરવી જ જોઈએ. દારૂ પાચનતંત્ર અને ચરબીના ચયાપચયને બગાડે છે, જે લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે છે. તેથી, જો તમે તમારા હૃદય અને લિવરને સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો દારૂનું સેવન મર્યાદિત કરવું અને કસરતને દિનચર્યાનો અતૂટ ભાગ બનાવવો એ જ શ્રેષ્ઠ અને લાંબુ આયુષ્ય જીવવાની ગુરુચાવી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
