<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ગેસ સિલિન્ડર ઉંચકનારાનો દીકરો હવે મહેલનો રાજા: રિંકુ સિંહના ₹3.5 કરોડના આલીશાન બંગલાની અંદરની દુનિયા!

અલીગઢના સાંકડા ક્વાર્ટરથી 'ઓઝોન સિટી'ની ભવ્ય હવેલી સુધીની સફર : પાંચ છગ્ગાએ બદલી નાખ્યું નસીબ : જે બેટથી ઈતિહાસ રચાયો હતો તે આજે ડ્રોઈંગ રૂમની શાન બની ગયું

અલીગઢ:  કહેવાય છે કે મહેનત અને મજબૂત ઈરાદા હોય તો નસીબને પણ નમવું પડે છે, અને રિંકુ સિંહ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. અલીગઢની જે ગલીઓમાં રિંકુના પિતા સાયકલ પર ગેસ સિલિન્ડર પહોંચાડતા હતા, આજે એ જ શહેરના સૌથી પોશ વિસ્તાર 'ઓઝોન સિટી'માં રિંકુનો ₹3.5 કરોડનો ત્રણ માળનો આલીશાન બંગલો ઊભો છે. આ ઘર માત્ર સિમેન્ટ અને ઈંટોનું માળખું નથી, પણ એક એવા યુવાનના સપનાનું પ્રતિબિંબ છે જેણે ગરીબીને હરાવીને વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે. 500 ચોરસ યાર્ડમાં ફેલાયેલું આ ઘર આજે અલીગઢના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

રિંકુના આ સપનાના મહેલની અંદરની સજાવટ જોઈને ભલભલાની આંખો અંજાઈ જાય તેવી છે. ઘરના વિશાળ લિવિંગ રૂમમાં આધુનિક લાઈટિંગ અને પ્રીમિયમ ફર્નિચર સાથે છ લક્ઝુરિયસ બેડરૂમ્સ બનાવવામાં આવ્યા છે. પરંતુ ઘરનો સૌથી આકર્ષક ભાગ તેની 'ટ્રોફી વોલ' છે. આ દીવાલ પર રિંકુએ તે બેટને ખાસ સ્થાન આપ્યું છે, જેનાથી તેણે IPLમાં યશ દયાલના બોલ પર સતત પાંચ છગ્ગા ફટકારીને રાતોરાત સ્ટારડમ મેળવ્યું હતું. આ સિવાય ખાનગી સ્વિમિંગ પૂલ અને રૂફટોપ બાર આ ઘરને કોઈ વૈભવી રિસોર્ટ જેવો લુક આપે છે, જ્યાં રિંકુ પોતાના પરિવાર સાથે કિંમતી સમય વિતાવે છે.

એક સમય એવો હતો જ્યારે રિંકુ સિંહ આર્થિક તંગીને કારણે સફાઈ કામદારની નોકરી કરવા પણ મજબૂર બન્યો હતો, પરંતુ તેના મનમાં ક્રિકેટ પ્રત્યેનો ઝનૂન જીવતો હતો. આજે એ જ છોકરો ભારતીય ટીમનો શાનદાર 'ફિનિશર' બની ગયો છે. રિંકુના મતે આ બધું 'ભગવાનની યોજના' (God's Plan) છે. બે રૂમના સ્ટાફ ક્વાર્ટરમાં ગૂંગળામણ અનુભવતો પરિવાર આજે ખુલ્લી અને આધુનિક હવેલીમાં શ્વાસ લઈ રહ્યો છે. રિંકુની આ સફળતા માત્ર તેની વ્યક્તિગત જીત નથી, પરંતુ હજારો એવા યુવાનો માટે આશાનું કિરણ છે જેઓ મર્યાદિત સાધનો હોવા છતાં આકાશ આંબવાનું સપનું જુએ છે.

(6:50 PM IST)