<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

મધ્ય પૂર્વમાં મિસાઈલ વર્ષા: ઈરાન અને હિઝબુલ્લાહે ઈઝરાયલ પર વરસાવ્યો કહેર : આકાશમાં જામ્યો ભયાનક જંગ!

સાત બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન કાફલા સાથે ઈરાને તેલ અવીવને હચમચાવ્યું: ક્લસ્ટર બોમ્બના ટુકડાઓથી ઈમારતોમાં આગ: હિઝબુલ્લાહના રોકેટ હુમલાને કારણે ઉત્તર ઈઝરાયલમાં સતત વાગતા સાયરન અને બંકરોમાં ભરાયેલા લાખો લોકો

તેલ અવીવ:  મધ્ય પૂર્વમાં રવિવારે મોડી રાત્રે યુદ્ધનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું, જ્યારે ઈરાને ઈઝરાયલના હૃદય સમાન તેલ અવીવ અને નેગેવ વિસ્તાર પર એક પછી એક સાત શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો છોડી. આ હુમલામાં ઈરાને તેની અત્યંત આધુનિક મિસાઈલોનો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે. જોકે ઈઝરાયલની 'આયર્ન ડોમ' અને 'એરો' સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગના હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હતા, પરંતુ ક્લસ્ટર બોમ્બના વોરહેડ અને મિસાઈલોના કાટમાળ રહેણાંક વિસ્તારોમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. અનેક વાહનો અને એપાર્ટમેન્ટ બિલ્ડિંગો આ કાટમાળની ચપેટમાં આવતા નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે.

એક તરફ આકાશમાંથી ઈરાની મિસાઈલો વરસી રહી હતી, ત્યારે બીજી તરફ લેબનોન સરહદેથી હિઝબુલ્લાહે રોકેટો અને આત્મઘાતી ડ્રોન દ્વારા ઉત્તરી ઈઝરાયલ પર હુમલા તેજ કર્યા હતા. આ બેવડા હુમલાએ ઈઝરાયલના સંરક્ષણ દળો (IDF) ને હાઈ એલર્ટ પર લાવી દીધા છે. હિઝબુલ્લાહના હુમલાને કારણે ઉત્તરીય વિસ્તારોમાં રહેતા હજારો પરિવારોએ આખી રાત બંકરોમાં વિતાવવી પડી હતી. આ હુમલાઓ માત્ર લશ્કરી થાણાઓ જ નહીં પરંતુ નાગરિક વસ્તી ધરાવતા શહેરોને પણ નિશાન બનાવી રહ્યા છે, જે યુદ્ધ વધુ વકરવાના સંકેત આપી રહ્યા છે.

આ ભીષણ સંઘર્ષની શરૂઆત ૨૮ ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનના ટોચના નેતૃત્વ પર હુમલો કર્યો હતો. ત્યારથી બદલાની આગમાં સળગતું ઈરાન તેના પ્રોક્સી જૂથો દ્વારા ઈઝરાયલ અને ગલ્ફ દેશોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયલે પણ વળતો પ્રહાર કરતા લેબનોન અને ઈરાનમાં હજારો લશ્કરી સ્થાપનો પર બોમ્બમારો શરૂ કર્યો છે. હાલમાં મધ્ય ઈઝરાયલમાંથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે મિસાઈલોમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા આ યુદ્ધ આગામી દિવસોમાં વધુ ઘાતક બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

(6:54 PM IST)