<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ: 'સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ' ની થીમ સાથે ગ્રાહકોને જાગૃત થવા કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાનું આહવાન

ગ્રાહકોની સુરક્ષા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવવા એ દરેકનો અધિકાર છે, મહિલાઓ જાગૃત બની પરિવારના હિતોનું રક્ષણ કરે અને જવાબદાર બજાર વ્યવસ્થાના નિર્માણમાં સહભાગી બને તેવો કેન્દ્રિય મંત્રીનો સંદેશ

નવી દિલ્હી:કેન્દ્રિય ઉપભોક્તા મંત્રી (રાજ્ય કક્ષા) નિમુબેન બાંભણિયાએ 'વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ' નિમિત્તે દેશના તમામ ગ્રાહકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા એક મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. દર વર્ષે ૧૫ માર્ચના રોજ ઉજવવામાં આવતો આ દિવસ ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કરવાનો એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે. આ વર્ષે વિશ્વ સ્તરે "Safe Products, Confident Consumers" (સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસુ ગ્રાહકો) ની થીમ નિર્ધારિત કરવામાં આવી છે, જે ગ્રાહક સુરક્ષાના પાસાને વધુ વેગ આપશે.
મહિલાઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક
પોતાના નિવેદનમાં શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ખાસ કરીને મહિલાઓની ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ પરિવારની મુખ્ય નિર્ણયકર્તા અને જવાબદાર ઉપભોક્તા છે. ઘરની દૈનિક જરૂરિયાતોથી લઈને બાળકો અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમની ભૂમિકા પાયાની છે. જો મહિલા ઉપભોક્તા જાગૃત હશે, તો તેઓ માત્ર પોતાના પરિવારના હિતોનું રક્ષણ જ નહીં કરે, પરંતુ દેશમાં એક પારદર્શી અને જવાબદાર બજાર વ્યવસ્થાને પણ મજબૂત બનાવશે.
રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૯૧૫ નો ઉપયોગ કરવા અપીલ
ઉપભોક્તા મામલે વિભાગ દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવા માટે વિવિધ જન-જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. શ્રીમતી બાંભણિયાએ માહિતી આપતા જણાવ્યું કે, ગ્રાહકોને માર્ગદર્શન અને ત્વરિત સહાય ઉપલબ્ધ કરાવવા માટે 'રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન ૧૯૧૫' કાર્યરત છે. ગ્રાહકો પોતાની સમસ્યાઓના સમાધાન માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે, જેથી તેઓ પોતાના અધિકારોનો પ્રભાવી ઢંગથી અમલ કરી શકે.
જાગૃત રહીને ખરીદી કરવા ખાસ આગ્રહ
અંતમાં, કેન્દ્રિય મંત્રીએ તમામ ઉપભોક્તાઓ અને ખાસ કરીને મહિલાઓને વિનંતી કરી છે કે તેઓ હંમેશા જાગૃત રહે અને પૂરતી જાણકારી મેળવ્યા બાદ જ ખરીદીનો આગ્રહ રાખે. ગ્રાહકો પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહીને સમાજમાં ઉપભોક્તા જાગૃતિનો આ સંદેશ વધુમાં વધુ ફેલાવે તેવો આગ્રહ શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વ્યક્ત કર્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:14 PM IST)