<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના શંખનાદ સાથે પ્રથમ ઓપિનિયન પોલ જાહેર: મમતા બેનર્જીની હેટ્રિકના એંધાણ, ભાજપને મોટો ઝટકો લાગવાની શક્યતા

૨૯૪ બેઠકોવાળી વિધાનસભામાં ટીએમસીને ૧૫૫-૧૭૦ અને ભાજપને ૧૦૦-૧૧૫ બેઠકો મળવાનો અંદાજ, ઓવૈસીનું ગઠબંધન ૫-૬ બેઠકો સાથે ચોંકાવનારું પ્રદર્શન કરી શકે, ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન

કોલકાતા:ભારતના ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેની સાથે જ બંગાળનો પ્રથમ ઓપિનિયન પોલ પણ સામે આવ્યો છે. મેટરાઇઝ-IANS દ્વારા કરવામાં આવેલા આ સર્વે મુજબ, બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીની સત્તામાં વાપસીની સંભાવના છે. જોકે, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વોટ ટકાવારીનો તફાવત ખૂબ જ ઓછો રહેવાની ધારણા છે, જે આગામી સમયમાં રાજકીય ગરમાવો વધારી શકે છે.
સીટો અને વોટ શેરનું ગણિત
ઓપિનિયન પોલના આંકડા મુજબ, ૨૯૪ સભ્યોની વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસને ૧૫૫ થી ૧૭૦ બેઠકો મળી શકે છે. બીજી તરફ, મમતા બેનર્જીને પછાડવા મથતી ભાજપને ૧૦૦ થી ૧૧૫ બેઠકો મળવાનું અનુમાન છે. વોટ ટકાવારીની વાત કરીએ તો ટીએમસીને ૪૩-૪૫ ટકા અને ભાજપને ૪૧-૪૩ ટકા વોટ મળી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખૂલે તેવી શક્યતા છે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમનું ગઠબંધન ૫ થી ૬ બેઠકો જીતીને સૌને ચોંકાવી શકે છે.
બે તબક્કામાં થશે જંગ અને ૪ મેના રોજ પરિણામ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે ૧૪૨ બેઠકો પર યોજાશે. સમગ્ર ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વખતે બંગાળમાં ૮ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેની સરખામણીએ આ વખતે માત્ર બે જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે.
મુસ્લિમ મતોમાં વિભાજનની શક્યતા
આ વખતે બંગાળમાં મુસ્લિમ મતોનું સમીકરણ રસપ્રદ બન્યું છે. ટીએમસીમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયું કબીરે 'આમ જનતા ઉન્નયન પાર્ટી' બનાવી છે અને મુર્શિદાબાદમાં 'બાબરી મસ્જિદ' બનાવવાનું એલાન કર્યું છે. ચૂંટણી પંચે તેમની પાર્ટીને માન્યતા આપી દીધી હોવાથી તેઓ મુસ્લિમ મતોમાં ગાબડું પાડી શકે છે, જેની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે તેમ છે.
અસમના મુદ્દાઓ પણ ચર્ચામાં
બંગાળની સાથે અસમમાં પણ ચૂંટણીની ગરમી જોવા મળી રહી છે. ૧૨૬ બેઠકો ધરાવતા અસમાં ઘૂસણખોરી, વિકાસ અને અસમિયા સંસ્કૃતિની રક્ષા જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને છે. ભાજપ પોતાના સાથી પક્ષો એજીપી અને યુપીપીએલ સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ અને એઆઈયુડીએફ વિપક્ષ તરીકે સત્તા પરિવર્તનની આશા રાખી રહ્યા છે.

(11:24 PM IST)