<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

આસામના રણમેદાનમાં અમિત શાહની ગર્જના: "રાહુલ ગાંધી સંસદના દરવાજે ચા-પકોડા ખાઈને લોકશાહીનું અપમાન કરે છે"

ગુવાહાટીમાં મેડિકલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રીએ કોંગ્રેસના કથિત 'પિકનિક પોલિટિક્સ' પર સાધ્યું નિશાન; ઘૂસણખોરોને દેશનિકાલ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ગેરંટી સાથે આગામી વિધાનસભા ચૂંટણીનો ફૂંક્યો શંખનાદ

ગુવાહાટી:આસામમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીની મુલાકાત દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પ્રાગજ્યોતિષપુર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરતા શાહે રાહુલ ગાંધીના સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કરવાની રીત પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, "જ્યારે સંસદમાં ગંભીર ચર્ચાઓ થવી જોઈએ, ત્યારે રાહુલ ગાંધી સંસદના દરવાજે બેસીને ચા અને પકોડાની જ્યાફત ઉડાવતા વિરોધ કરે છે." શાહના મતે, આ પ્રકારનું વર્તન લોકશાહીની સર્વોચ્ચ સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરે છે. તેમણે ઉમેર્યું કે વિરોધ કરવાનો અધિકાર સૌને છે, પરંતુ સંસદ પરિસરને પિકનિક સ્પોટ બનાવવો તે જનતા સ્વીકારશે નહીં.

આરોગ્ય સુવિધાઓના પ્રોજેક્ટ્સ લોન્ચ કરતી વખતે શાહે ભૂતકાળની કોંગ્રેસ સરકારને પણ આડે હાથ લીધી હતી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દાયકાઓ સુધી આસામ પર શાસન કર્યું છતાં અહીંની આરોગ્ય વ્યવસ્થા કથળેલી રહી, કારણ કે તેમનું ધ્યાન જનતાની સારવાર પર નહીં પણ પોતાના પરિવારની આર્થિક ઉન્નતિ પર હતું. શાહે ભાજપના શાસનકાળમાં આસામમાં થયેલા વિકાસના કામો ગણાવતા કહ્યું કે હવે રાજ્ય હિંસા માટે નહીં પણ પ્રગતિ માટે જાણીતું છે. કોંગ્રેસના સમયમાં આસામના યુવાનોના લોહી વહેતા હતા, જ્યારે ભાજપના શાસનમાં તેમને હોસ્પિટલો અને શિક્ષણની આધુનિક સુવિધાઓ મળી રહી છે.

ચૂંટણીનો મિજાજ સેટ કરતા અમિત શાહે ભાજપ યુવા મોરચાના કાર્યક્રમમાં 'ઘૂસણખોરી'ના મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આસામમાં ફરી ભાજપની સરકાર બનશે, તો એક-એક ઘૂસણખોરને શોધીને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવશે. તેમણે કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને આશરો આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો દૂર કરવાનો કોંગ્રેસ એટલે જ વિરોધ કરે છે. ભ્રષ્ટાચાર અને ધ્રુવીકરણના બદલે વિકાસ અને સુરક્ષાને મુખ્ય મુદ્દો બનાવીને અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આસામની જનતા ફરી એકવાર ભાજપને પ્રચંડ જનાદેશ આપશે.

(9:07 PM IST)