<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

અફવાઓ પર લાગી બ્રેક: દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો ભંડાર ભરેલો છે : ગભરાટમાં બુકિંગ કરવાની જરૂર નથી!

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતની ઈંધણ સુરક્ષા અભેદ : LPG બુકિંગમાં ઘટાડો અને ઓનલાઈન પેમેન્ટમાં ઉછાળો : કાળાબજાર કરનારાઓ સામે સરકારની લાલ આંખ અને ઔદ્યોગિક વપરાશ પર મર્યાદા લાદીને ઘરેલું ગ્રાહકોને અપાઈ પ્રાથમિકતા

નવી દિલ્હી:  પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવને પગલે દેશમાં બળતણની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું, જેના કારણે લોકો ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. જોકે, કેન્દ્ર સરકારે હવે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરીને દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, ભારત પાસે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ (LPG)નો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. આ ખાતરી બાદ ગભરાટમાં થઈ રહેલા (Panic Booking) ગેસ બુકિંગના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શનિવારના આંકડા મુજબ, દૈનિક LPG બુકિંગ 8.88 મિલિયનથી ઘટીને 7.7 મિલિયન થઈ ગયું છે, જે દર્શાવે છે કે લોકો હવે અફવાઓથી દૂર થઈ રહ્યા છે.

ઈંધણના વિતરણને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સરકારે ટેકનોલોજી અને શિસ્તનો આશરો લીધો છે. તેલ કંપનીઓની વિશેષ ઝુંબેશને કારણે ઓનલાઈન ગેસ બુકિંગનું પ્રમાણ 84% થી વધીને 87% પર પહોંચી ગયું છે, જેનાથી એજન્સીઓ પર થતી ભીડમાં ઘટાડો થયો છે. રિફાઈનરીઓ તેમની પૂરી ક્ષમતા સાથે કાર્યરત છે અને ક્રૂડ ઓઈલનો રિઝર્વ સ્ટોક પણ સુરક્ષિત છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પેટ્રોલ-ડીઝલના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેટલો તણાવ હોય, સ્થાનિક પુરવઠાને કોઈ આંચ નહીં આવે. આ ઉપરાંત, PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે જૂના LPG સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરવાના નિયમો કડક કરીને વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે.

બીજી તરફ, અછતનો ફાયદો ઉઠાવીને કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા તત્વો પર સરકારે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે. આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગેસ એજન્સીઓ પર ઓચિંતું નિરીક્ષણ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સરકારે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓ માટે 100% ગેસ પુરવઠો સુરક્ષિત રાખ્યો છે, જ્યારે ઔદ્યોગિક વપરાશ પર 80% ની મર્યાદા લાદવામાં આવી છે જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે. સરકારની આ ‘એક્શન પ્લાન’ એ સ્પષ્ટ કરી દીધું છે કે ગમે તેવા સંજોગોમાં દેશની ઈંધણ વ્યવસ્થા ખોરવાશે નહીં, તેથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં.

(9:07 PM IST)