<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

લોકશાહીના મંદિરમાં 'મર્યાદા'નો ભંગ: અધ્યક્ષ ઓમ બિરલા લાલઘૂમ : સાંસદોના વર્તન પર પત્ર લખીને વ્યક્ત કરી ભારે પીડા

"સંસદ પિકનિક સ્પોટ નથી, ચર્ચાનું પવિત્ર ધામ છે": પ્લેકાર્ડ, બેનરો અને અપશબ્દોના વધતા ચલણ સામે સ્પીકરનો કડક સંદેશ: ૧.૪ અબજ ભારતીયોની આશાના કેન્દ્ર સમાન ગૃહની ગરિમા જાળવવા તમામ રાજકીય પક્ષોને આત્મનિરીક્ષણ કરવાની કરી અપીલ

નવી દિલ્હી:   ભારતીય સંસદના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી ઘટનામાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખીને સાંસદોના અશોભનીય વર્તન અંગે ગંભીર ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક સમયથી ગૃહમાં જે પ્રકારે બેનરો અને પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે અને જે કક્ષાની ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનાથી અધ્યક્ષ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતની સંસદ ૧.૪ અબજ નાગરિકોની સાર્વભૌમ ઈચ્છાશક્તિનું પ્રતીક છે અને અહીં થતી દરેક હરકત પર સમગ્ર રાષ્ટ્રની નજર હોય છે. સંસદ એ માત્ર વિરોધ કરવાનું સ્થળ નથી, પરંતુ ચર્ચા, સંવાદ અને અસંમતિ વચ્ચે પણ સર્વસંમતિ સાધવાનું એક પવિત્ર માધ્યમ છે.

ઓમ બિરલાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક માનનીય સભ્યો દ્વારા ગૃહની અંદર અને સંસદ સંકુલમાં જે રીતે લોકશાહી સંસ્થાઓની ગરિમાને નબળી પાડવામાં આવી રહી છે, તે ઊંડી ચિંતાનો વિષય છે. તેમણે યાદ અપાવ્યું કે ભૂતકાળમાં પણ જ્યારે સંસદીય ધોરણોમાં ઘટાડો થયો હતો, ત્યારે તમામ પક્ષોએ સાથે મળીને મર્યાદા જાળવવાના શપથ લીધા હતા. અધ્યક્ષે આ પત્રને માત્ર ઔપચારિક સંદેશ નહીં, પરંતુ લોકશાહી પ્રત્યેની સામૂહિક જવાબદારીનો અવાજ ગણાવ્યો છે. તેમના મતે, જો સર્વોચ્ચ સંસ્થાના સભ્યો જ શિસ્તનું પાલન નહીં કરે, તો દેશની અન્ય લોકશાહી સંસ્થાઓને કેવો સંદેશ જશે તે અંગે ગંભીરતાથી વિચારવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો હવે સમય પાકી ગયો છે.

પત્રના અંતે ઓમ બિરલાએ તમામ પક્ષોના ટોચના નેતૃત્વને વિશેષ અપીલ કરી છે કે તેઓ પોતાના સાંસદોમાં શિસ્ત અને નૈતિક આચરણ કેળવવા માટે વ્યક્તિગત પ્રયાસો કરે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી સત્રોમાં સાંસદો પ્લેકાર્ડ યુદ્ધ છોડીને પ્રતિષ્ઠિત ચર્ચાઓમાં જોડાશે અને સંસદની ભવ્ય પરંપરાઓને પુનઃસ્થાપિત કરવામાં સહયોગ આપશે. લોકસભા અધ્યક્ષનું આ કડક વલણ સૂચવે છે કે હવે પછી ગૃહમાં શિસ્તભંગ કરનારા સભ્યો સામે કદાચ વધુ કઠોર પગલાં પણ લેવામાં આવી શકે છે. લોકશાહીનું ગૌરવ જાળવવું એ માત્ર અધ્યક્ષની નહીં, પણ ગૃહમાં બેસનારા દરેક ચૂંટાયેલા પ્રતિનિધિની નૈતિક ફરજ છે.

(10:39 PM IST)