News of Sunday, 15th March 2026
ચૂંટણી ૨૦૨૬: કોંગ્રેસ માટે 'કરો કે મરો'નો જંગ; ક્યાંક ચમત્કારની આશા તો ક્યાંક ભગવાન ભરોસે જૂની પાર્ટી!
કેરળ-પુડુચેરીમાં સત્તા વાપસી માટે એડીચોટીનું જોર : આસામમાં ગૌરવ ગોગોઈ સામે હિમંત બિસ્વાના કરિશ્માને તોડવાનો પડકાર: તમિલનાડુમાં સ્ટાલિનની મજબૂત ઓથ તો બંગાળમાં અસ્તિત્વ ટકાવી રાખવા મુસ્લિમ મતો પર મીટ

નવી દિલ્હી: ભારતના રાજકીય નકશા પર ૨૦૨૬નું વર્ષ અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા સમાન છે. ખાસ કરીને કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ માટે આ જીત 'જીવનરેખા' સમાન છે. છેલ્લા ૧૦ વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ અહીં એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ લેવા માંગે છે, પરંતુ આંતરિક વિખવાદ અને ભાજપ-સીપીએમ વચ્ચેના મતોનું ગણિત તેની ચિંતા વધારી રહ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રા પોતે કેરળના સાંસદ હોવાથી આ ચૂંટણી તેમની અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલની પ્રતિષ્ઠાનો સીધો સવાલ બની ગઈ છે.
આસામમાં કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી સત્તાના વનવાસમાં છે. અહીં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પ્રચંડ લોકપ્રિયતા અને ભાજપના મજબૂત ગઢને તોડવા માટે કોંગ્રેસે ગૌરવ ગોગોઈ પર દાવ ખેલ્યો છે. જોરહાટથી ચૂંટણી લડી રહેલા ગોગોઈ સામે પડકાર એ છે કે બોડોલેન્ડ વિસ્તારમાં પાર્ટી પાસે કોઈ મજબૂત સાથી નથી અને અનેક વરિષ્ઠ નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે. તમિલનાડુમાં સ્થિતિ થોડી અલગ છે, ત્યાં કોંગ્રેસ સંપૂર્ણપણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ડીએમકે (DMK) ના ભરોસે છે. જો સત્તા વિરોધી મતો એનડીએ અને અન્ય પક્ષો વચ્ચે વિભાજિત થાય, તો કોંગ્રેસને સ્ટાલિનના કરિશ્માનો સીધો ફાયદો મળી શકે તેમ છે.
પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ સૌથી વધુ કપરી છે, જ્યાં મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચેના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસ જાણે હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેમ લાગે છે. અહીં પાર્ટી માત્ર માલદા અને મુર્શિદાબાદ જેવા તેના જૂના ગઢમાં મુસ્લિમ મતોના આધારે 'ભગવાન ભરોસે' ચૂંટણી લડી રહી છે. પુડુચેરીમાં પણ ડીએમકે સાથે બેઠકોની વહેંચણી મુદ્દે ગૂંચવણ યથાવત છે. ૯ એપ્રિલથી શરૂ થનારી આ લોકશાહીની ઉજવણીનો અંત ૪ મેના રોજ પરિણામો સાથે આવશે. જો કોંગ્રેસ આ રાજ્યોમાં મજબૂત દેખાવ નહીં કરે, તો રાષ્ટ્રીય સ્તરે તેના નેતૃત્વ અને રણનીતિ સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા થશે તે નક્કી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
