<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

જમ્‍મુ-કાશ્‍મીરના સિન્‍થન ટોપ પર કમોસમી બેફામ હિમવર્ષાનો કહેરઃ ફસાયેલા ૩૧ વાહનોમાંથી ૨૨૦થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

સિન્‍થન ટોપ પર ભારે બરફવર્ષા વચ્‍ચે એનએચઆઇડીસીએલ અને પોલીસનું સંયુક્‍ત ઓપરેશનઃ તમામ ૨૨૦ મુસાફરોને કોકરનાગ સુધી હેમખેમ પહોંચાડાયા

શ્રીનગર તા.૧૬: જમ્‍મુ-કાશ્‍મીરમાં બદલાયેલા હવામાન અને બેમોસમી હિમવર્ષાએ ભારે કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. રવિવારે મોડી રાત્રે અચાનક હવામાન પલટાતા અને ભારે બરફવર્ષા થતાં ઊંચાઈવાળા સિન્‍થન ટોપ પાસ પર મોટી સંખ્‍યામાં વાહનો ફસાઈ ગયા હતા. આ કપરી પરિસ્‍થિતિમાં જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ અને નેશનલ હાઈવેઝ એન્‍ડ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ) દ્વારા તાત્‍કાલિક ધોરણે એક વિશાળ સંયુક્‍ત બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું.

અધિકારીઓ દ્વારા મળતી સત્તાવાર માહિતી મુજબ, સિન્‍થન ટોપ પર અચાનક ભારે બરફ પડવાના કારણે રસ્‍તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેમાં ૩૧ જેટલા વાહનો અને તેમાં સવાર ૨૨૦થી વધુ પ્રવાસીઓ અટવાયા હતા. ફસાયેલા મુસાફરોએ પરિસ્‍થિતિની ગંભીરતા જોઈને તરત જ મદદ માટે ઈમરજન્‍સી મેસેજ મોકલ્‍યો હતો. સંદેશ મળતાની સાથે જ બચાવ ટુકડીઓ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી.

માઈનસ તાપમાન અને અત્‍યંત પ્રતિકૂળ હવામાન વચ્‍ચે જવાનોએ સતત કલાકો સુધી ભારે જહેમત ઉઠાવીને રેસ્‍ક્‍યુ ઓપરેશન ચલાવ્‍યું હતું.

રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્‍યાની આસપાસ આ મેગા રેસ્‍ક્‍યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યું હતું. તમામ ૨૨૦ મુસાફરોને તેમના વાહનો સાથે અત્‍યંત સુરક્ષિત રીતે કોકરનાગ શહેર સુધી પહોંચાડવામાં આવ્‍યા હતા.

રાહતના સમાચાર એ છે કે આ ભયાનક સ્‍થિતિમાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ વચ્‍ચેના ઉત્તમ સંકલનને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તમામ નાગરિકો અને પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે કે પહાડી અને ઊંચાઈવાળા વિસ્‍તારોમાં યાત્રા શરૂ કરતા પહેલા હવામાન વિભાગની લેટેસ્‍ટ આગાહી અને રસ્‍તાની સ્‍થિતિની ચોક્કસ તપાસ કરી લેવી, તેમજ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવું.

(10:16 AM IST)