<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

હોસ્‍પિટલમાં ભીષણ આગ લાગતા ICUના ૧૦ દર્દીઓના મોત

ઓડિશામાં મોટી દુર્ઘટનાઃ કટકની SCB મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં આગ લાગી : ICUમાં સારવાર હેઠળ દર્દીઓ આગ-ધૂમાડાની ઝપેટમાં આવ્‍યાઃ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા

કટક,તા.૧૬: ઓડિશાના કટકથી એક અત્‍યંત આઘાતજનક સમાચાર સામે આવ્‍યા છે. જ્‍યાં સોમવારે વહેલી સવારે એક હોસ્‍પિટલમાં આગ ફાટી નીકળી જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. એવી આશંકા વ્‍યક્‍ત કરાઈ રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. જો કે  હજુ કોઈ સ્‍પષ્ટ કારણ સામે આવ્‍યું નથી અને તેના વિશે તપાસ થઈ રહી છે.

સીએમ મોહન ચરણ માંઝીએ જણાવ્‍યું કે કટકની એસસીબી મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં ભીષણ આગ લાગવાથી ૧૦ દર્દીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક દર્દીઓને હોસ્‍પિટલ પરિસરમાં જ નવા મકાનમાં શિફટ કરાયા છે. મુખ્‍યમંત્રી મોહન માંઝી પણ સ્‍થિતિની સમીક્ષા માટે હોસ્‍પિટલ પહોંચ્‍યા છે.

ઈન્‍ડિયન એક્‍સપ્રેસે પ્રત્‍યક્ષદર્શીઓએ આપેલી માહિતીથી જણાવ્‍યું છે કે આ દર્દનાક ઘટના રાતે ૨.૩૦થી ૩ વાગ્‍યાની વચ્‍ચે ઘટી. બીજી બાજુ  અધિકારીઓનું કહેવું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. તેમણે જણાવ્‍યાં મુજબ ફાયર બ્રિગેડ સમયસર ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી પરંતુ આઈસીયુમાં વેન્‍ટિલેટર સપોર્ટ પર સારવાર હેઠળ દર્દીઓ દમ ઘૂંટવાથી મોતને ભેટ્‍યા.

મળતી માહિતી મુજબ આગ ટ્રોમા કેર યુનિટના પહેલા માળે લાગી અને પછી ગણતરીની મિનિટોમાં સમગ્ર આઈસીયુમાં ધૂમાડો ફેલાઈ ગયો. તે સમયે વોર્ડમાં અનેક ગંભીર સ્‍થિતિવાળી દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્‍ટમ પર હતા. હોસ્‍પિટલના કર્મચારીઓ અને ફાયરના કર્મીઓએ તરત બચાવ કામ શરૂ કર્યું પરંતુ કેટલાક નાજુક સ્‍થિતિવાળા દર્દીઓ ધૂમાડા અને આગની તેજ  જ્‍વાળાઓની લપેટમાં આવી ગયા.

પ્રાથમિક તપાસમાં આવું માનવામાં આવી રહ્યું છે કે આસીયુના એર કંડીશનિગ સિસ્‍ટમ કે કોઈ મેડિકલ ઉપકરણમાં ઈલેક્‍ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. સરકારે આ મામલે ઉચ્‍ચ સ્‍તરીય તપાસના આદેશ આપ્‍યા છે. તપાસમાં એ પણ જાણવામાં આવશે કે શું હોસ્‍પિટલમાં ફાયર સેફટી પ્રોટોકોલના પાલનમાં કોઈ બેદરકારી વર્તાઈ હતી કે નહીં.

 

(9:54 AM IST)