<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અમેરિકાના રિલિજિયસ ફ્રીડમ કમિશનની ટ્રમ્પ સરકારને ચોકાવનારી ભલામણ

આરએસએસ, વીએચપી, બજરંગ દળ ઉપર અમેરિકામાં પ્રતિબંધ મૂકવા માંગ : લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે આ સંસ્થાઓને જવાબદાર ગણાવી

વોશિંગ્ટન: અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ (યુએસસીઆઇઆરએફ) દ્વારા અમેરિકાની ટ્રમ્પ સરકારને ભારતની કેટલીક સંસ્થાઓ પર પ્રતિબંધ (સેન્કશન્સ) મૂકવાની સત્તાવાર ભલામણ કરવામાં આવી છે. કમિશને પોતાના અહેવાલોમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોને લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર ગણાવી તેમના પર લક્ષ્યાંકિત પ્રતિબંધો લાદવાની માંગ કરી છે. આ અહેવાલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા જાગી છે.

અમેરિકાની 'યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ' (યુએસસીઆઇઆરએફ) દ્વારા ફરી એકવાર ભારતને લઈને એક મોટો અને વિવાદાસ્પદ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સના સત્તાવાર અહેવાલો અનુસાર, આ સ્વતંત્ર અમેરિકન સરકારી પંચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને ભલામણ કરી છે કે ભારતમાં કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળ પર કડક પ્રતિબંધો (સેન્કશન્સ) લાદવામાં આવે.

યુએસસીઆઇઆરએફ વૈશ્વિક સ્તરે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન પર નજર રાખે છે અને અમેરિકન સરકારને નીતિગત ભલામણો કરે છે. 

તાજેતરના અહેવાલો મુજબ, પંચે સતત ૭મા વર્ષે ભારતને 'કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન' (સીપીસી) એટલે કે વિશેષ ચિંતાજનક દેશોની યાદીમાં મૂકવાની માંગ દોહરાવી છે. કમિશને તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાના બનાવો વધી રહ્યા છે. આ અહેવાલોમાં સ્પષ્ટપણે આરએસએસ, વીએચપી અને બજરંગ દળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમના પર લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઇએએમસી) સહિતના કેટલાક સંગઠનોએ પણ યુએસસીઆઇઆરએફની આ ભલામણોને સમર્થન આપીને અમેરિકન સરકાર પર દબાણ વધાર્યું છે કે આ હિન્દુ સંગઠનોની મિલકતો ફ્રીઝ કરવામાં આવે અને તેમના નેતાઓના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અગાઉ પણ આ પંચના આવા તમામ અહેવાલોને પક્ષપાતી, વાસ્તવિકતાથી દૂર અને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવીને કડક શબ્દોમાં ફગાવી દીધા છે. 

હવે જોવાનું એ રહેશે કે અમેરિકાની ટ્રમ્પ સરકાર આ ભલામણો પર ભવિષ્યમાં કોઈ સત્તાવાર પગલાં લે છે કે કેમ.

(1:44 PM IST)