News of Monday, 16th March 2026
બંગાળમાં ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને કોલકાતા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની બદલી
ચૂંટણીની જાહેરાત બાદ તટસ્થ વહીવટ સુનિશ્ચિત કરવા પંચે આકરા નિર્ણયો લીધા, બદલામાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી દ્વારા રાજ્યસભામાંથી વોકઆઉટ કરી વિરોધ પ્રદર્શન; નવા અધિકારીઓએ તુરંત સંભાળ્યો કાર્યભાર

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ ભારતીય ચૂંટણી પંચે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને કોલકાતા પોલીસ કમિશનર સહિતના ટોચના અમલદારોને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પંચની આ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
રાજ્યસભામાં ટીએમસીનો વોકઆઉટ
ચૂંટણી પંચના આદેશના વિરોધમાં સોમવારે જ્યારે ૧૦ રાજ્યોની ૩૭ રાજ્યસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ટીએમસીના સાંસદોએ સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો. ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે આક્ષેપ કર્યો હતો કે, "પંચે રાત્રે ૪ વાગ્યે જે રીતે બદલીઓના આદેશ આપ્યા તે અસ્વીકાર્ય છે. પંચ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટાયેલી સરકારને નુકસાન પહોંચાડી રહ્યું છે." બીજી તરફ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પંચનો બચાવ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પાસે આવી બદલીઓ કરવાની બંધારણીય સત્તા છે.
કોની બદલી થઈ અને કોણ નવા નિમાયા?
ચૂંટણી પંચે મમતા બેનર્જી વહીવટીતંત્રના બે સૌથી મહત્વના સ્તંભોને હટાવ્યા છે:
* મુખ્ય સચિવ: નંદિની ચક્રવર્તીને હટાવીને તેમના સ્થાને દુષ્યંત નારિયાલા (IAS-1993) ની નિમણૂક કરવામાં આવી છે.
* ગૃહ અને હિલ અફેર્સ સચિવ: જગદીશ પ્રસાદ મીનાના સ્થાને સંઘમિત્રા ઘોષ (IAS-1997) ને જવાબદારી સોંપાઈ છે.
પોલીસ વિભાગમાં પણ પંચે મોટા ફેરફાર કર્યા છે:
* ડીજી અને આઈજીપી (બંગાળ): સિદ્ધ નાથ ગુપ્તા (IPS-1992)
* કોલકાતા પોલીસ કમિશનર: અજય કુમાર નંદ (IPS-1996)
* એડીજી (લો એન્ડ ઓર્ડર): અજય મુકંદ રણડે (IPS-1995)
* ડીજી (જેલ સેવા): નટરાજ રમેશ બાબુ (IPS-1991)
તટસ્થતા જાળવવા માટે લેવાયો નિર્ણય
ચૂંટણી પંચના સચિવ સુજીત કુમાર મિશ્રા દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશોનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે વહીવટીતંત્રની નિષ્પક્ષતા જળવાઈ રહે તે હેતુથી આ ફેરબદલ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પંચે ૧૬ માર્ચના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં આ આદેશોના પાલનનો રિપોર્ટ માંગ્યો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
