News of Monday, 16th March 2026
પવિત્ર બદ્રીનાથ ધામમાં હિમવર્ષાને પગલે આખું પરિસર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું :આખું ક્ષેત્ર ઠંડુગાર બની ગયું
માત્ર મંદિર જ નહીં, પરંતુ બદ્રીનાથ ધામની રક્ષા કરતા ગણાતા પવિત્ર નીલકંઠ પર્વત અને નારાયણ પર્વત પર પણ ભારે હિમવર્ષા

દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરી એકવાર શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે. ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ ગયું છે. ખાસ કરીને પવિત્ર બદ્રીનાથ ધામમાં રવિવાર રાતથી શરૂ થયેલી હિમવર્ષાને પગલે આખું પરિસર દૂધ જેવી સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે, જે ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે અદભૂત નજારો બની રહ્યો છે.
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલ સુપ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં રવિવાર રાતથી જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે મંદિર પરિસર, રસ્તાઓ અને આસપાસના રહેણાંક વિસ્તારો બરફથી લદાઈ ગયા છે. ભગવાન બદ્રી વિશાલનું ધામ અત્યારે એક સ્વર્ગીય નજારા જેવું ભાસી રહ્યું છે. હિમવર્ષાને કારણે આખું ક્ષેત્ર ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.
માત્ર મંદિર જ નહીં, પરંતુ બદ્રીનાથ ધામની રક્ષા કરતા ગણાતા પવિત્ર નીલકંઠ પર્વત અને નારાયણ પર્વત પર પણ ભારે હિમવર્ષા નોંધાઈ છે. આ ગિરિમાળાઓ અત્યારે સફેદ બરફથી લથબથ જોવા મળી રહી છે. ઊંચાઈવાળા શિખરો પર જમા થયેલો બરફ સૂર્યના કિરણો સાથે ચાંદીની જેમ ચમકી રહ્યો છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં હિમાલયની ભવ્યતા અને શાંતિ સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
હિમવર્ષા શરૂ થતાની સાથે જ સમગ્ર ચમોલી જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. કાતિલ ઠંડી અને ઠંડા પવનોને કારણે સમગ્ર બદ્રીનાથ ક્ષેત્ર ઠંડુગાર થઈ ગયું છે. તાપમાન શૂન્યની નીચે પહોંચતા સ્થાનિકો અને મુસાફરોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર હીટર અને તાપણાનો સહારો લેવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસો સુધી પહાડી વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ યથાવત રહી શકે છે.
હિમવર્ષાને કારણે પહાડોમાં રસ્તાઓ પર બરફ જામી જવાથી વાહનવ્યવહારમાં અડચણો ઊભી થઈ છે. જોકે, પ્રવાસીઓ માટે આ હિમવર્ષા એક લ્હાવો સમાન છે. સફેદ બરફમાં રમવા અને હિમાલયની આ સુંદરતાને કેમેરામાં કેદ કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી પણ તેજ કરવામાં આવી છે જેથી કોઈ અણધારી ઘટના ન બને.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
