News of Monday, 16th March 2026
અબુધાબીમાં મિસાઇલ ત્રાટકી : ૧નું મોત
શાંત ગણાતા અલ બાહયા વિસ્તારમાં અચાનક થયેલા હુમલા સમગ્ર પંથકને હચમચાવ્યો

નવી દિલ્હી, તા.૧૬: દુબઈમાં ડ્રોન હુમલાની દહેશત હજુ ઓછી થઈ નહોતી ત્યાં જ અબુ ધાબીના અલ બાહિયાહ વિસ્તારમાં મિસાઈલ ત્રાટકતા સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ મિસાઈલ હુમલો એટલો સચોટ હતો કે એક નાગરિક વાહન તેની લપેટમાં આવી ગયું હતું, જેમાં એક નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અબુ ધાબીના મીડિયા ઓફિસે આ ઘટનાની પુષ્ટિ કરતા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવારસ્ત્રોતો પર જ વિશ્વાસ કરે. આ હુમલા બાદ સમગ્ર UAE માં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
નિષ્ણાતોના મતે, ઈરાન હવે ઇઝરાયેલ અને અમેરિકાના સૈન્ય મથકોની સાથે સાથે ખાડીના દેશોને પણ યુદ્ધમાં સીધા ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. વૈશ્વિક વેપાર અને પર્યટનનું કેન્દ્ર ગણાતા દુબઈ અને અબુ ધાબી પરના આ હુમલાઓ માત્ર જાનમાલનું નુકસાન જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પણ ગંભીર અસર કરી શકે છે. ઈરાન દ્વારા વધતા મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ સાબિત કર્યું છે કે મધ્ય પૂર્વ હવે મોટા સૈન્ય સંઘર્ષના ઉંબરે આવીને ઊભું છે. જો આ હુમલાઓ અટકશે નહીં, તો તેની માઠી અસર ભારત જેવા તેલ આયાતકાર દેશો પર પણ પડી શકે છે.(૨૩.૨૭)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
