News of Monday, 16th March 2026
રસગુલ્લું ગળામાં ફસાયું; હોસ્પિટલ પહોંચે તે પહેલા ગુમાવ્યો જીવ
લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

જમશેદપુર તા.૧૬: ઝારખંડના જમશેદપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક લગ્ન સમારોહ દરમિયાન આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયું હતું. અહીં એક ૪૧ વર્ષીય વ્યક્તિનું લગ્નમાં રસગુલ્લું ખાતી વખતે ગળામાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે સવારે જમશેદપુરના માલિયાંતા ગામમાં બની હતી. ૪૧ વર્ષીય લલિત સિહ પોતાના પરિવાર સાથે એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા, લગ્નનો આનંદ ત્યારે શોકમાં ફેરવાઈ ગયો જ્યારે સિહે એક રસગુલ્લું ખાધું હતું. જોકે, રસગુલ્લું ગળામાં ફસાઈ જતાં જ લલિત સિહને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી. તેમની હાલત જોઈને આસપાસ ઉભેલા મહેમાનો અને પરિવારજનો દોડી આવ્યા હતા. લોકોએ તેમના ગળામાંથી રસગુલ્લું કાઢવા માટે પીઠ પર થપથપાવ્યું અને અનેક પ્રયાસો કર્યા, પરંતુ તે બહાર નીકળ્યું નહીં. ગણતરીની સેકન્ડોમાં જ લલિતની હાલત ગંભીર થઈ ગઈ અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા.
લલિત સિહના સંબંધીઓ તેમને તાત્કાલિક નજીકની એમજીએમ (MGM) હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, રસગુલ્લું ગળામાં એવી રીતે ફસાઈ ગયું હતું કે તેણે શ્વાસ લેવાની નળીને સંપૂર્ણપણે બ્લોક કરી દીધી હતી. જેના કારણે મગજ અને શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ ગયું હતું, જે મૃત્યુનું કારણ બન્યું હતું. આ ઘટના બાદ લગ્ન પ્રસંગમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જે ઘરમાં શરણાઈઓ વાગી રહી હતી ત્યાં આક્રંદ જોવા મળ્યો હતો. લલિત સિહના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
