તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 16th March 2026
ટ્રમ્પનું NATOને અલ્ટીમેટમ : સાથ આપો અથવા અંજામ ભોગવો
હોર્મુઝની લડાઈમાં નાટો અને ચીન પર અમેરિકાનું દબાણ

વોશિંગ્ટન, તા.૧૬: વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) દેશોને સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની અવરોધો હટાવવા માટે અમેરિકાનો સાથ નહીં આપે, તો તેના પરિણામો ખૂબ જ ગંભીર આવશે. ટ્રમ્પના મતે, આ માત્ર અમેરિકાની જવાબદારી નથી, પરંતુ જે દેશો આ જળમાર્ગનો ઉપયોગ કરે છે તેમણે પણ પોતાના જહાજોની સુરક્ષા માટે મેદાનમાં ઉતરવું પડશે. જો નાટો સાથીઓ પીછેહઠ કરશે, તો આ લશ્કરી સંગઠનનું ભવિષ્ય ‘ભયાનક' હોઈ શકે છે તેવી ચેતવણી આપીને ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.
હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના તેલ અને ગેસ પુરવઠા માટે ‘ગળું' માનવામાં આવે છે, તે અત્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના કારણે સંપૂર્ણપણે બંધ જેવી સ્થિતિમાં છે. ટ્રમ્પ માત્ર સાથી દેશો જ નહીં, પણ ચીન પર પણ દબાણ વધારી રહ્યા છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન તેની ઉર્જા જરૂરિયાતો માટે ૯૦% આ જ માર્ગ પર નિર્ભર છે, તેથી બેઈજિંગે આ સમસ્યાના ઉકેલમાં મદદ કરવી જ પડશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે જો ચીનનું વલણ સકારાત્મક નહીં હોય, તો તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની આગામી બેઠક પણ મુલતવી રાખી શકે છે.
હાલમાં ૫૪ કિલોમીટર પહોળો આ દરિયાઈ કોરિડોર વિશ્વની આર્થિક સ્થિરતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુકે જેવા દેશો હજુ પણ સક્રિય લશ્કરી સહાય આપતા અચકાઈ રહ્યા છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર લાલચોળ છે. ઈરાને આ માર્ગ બંધ કરીને પશ્ચિમી દેશોની ઉર્જા સુરક્ષા પર જે પ્રહાર કર્યો છે, તેની સામે ટ્રમ્પ હવે ‘કરો અથવા મરો'ની નીતિ અપનાવી રહ્યા હોય તેવું જણાય છે. જો ટૂંક સમયમાં કોઈ વૈશ્વિક સમજૂતી નહીં થાય, તો ઉર્જા સંકટ વધુ ઘેરી બનવાની અને યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રસરવાની પૂરેપૂરી શકયતા છે
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
