<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રાજકોટમાં અનોખો પ્રકલ્પ: પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ મિત્ર લેખકની જન્મદિનની ભેટ રૂપે તૈયાર કરાવ્યું અત્યાધુનિક ‘જય વસાવડા પુસ્તકાલય’

બે વર્ષની માસૂમ બાળકી પ્રથા ના હસ્તે ઉદઘાટન કરાવી સર્જાયો બેવડો વિશ્વવિક્રમ; રાષ્ટ્રીય શાળાના ઐતિહાસિક સંકુલમાં ગાંધીજીના ઓરડા પાસેના નવનિર્મિત જ્ઞાનધામમાં પુસ્તકપ્રેમીઓની મેદની ઉમટી

રાજકોટ: રંગુનથી લઈને રાજકોટ સુધી જાણીતા બનેલા હાસ્ય કલાકાર અને પરોપકારી વ્યક્તિત્વ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ વધુ એક વાર પોતાની અનોખી દાનસરવાણી વહાવી છે. તેમણે પોતાના મિત્ર અને લોકપ્રિય લેખક જય વસાવડાના ૫૦મા જન્મદિન નિમિત્તે અઢી વર્ષ પૂર્વે લીધેલો સંકલ્પ સાકાર કરતા રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા ખાતે ‘જય વસાવડા પુસ્તકાલય’ અર્પણ કર્યું છે. આ ઘટના વિશ્વભરમાં અજોડ છે, કારણ કે કોઈ એક સર્જકે અન્ય સર્જકની સ્મૃતિ કે માનમાં પુસ્તકાલય બનાવી આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
બેવડો વિશ્વવિક્રમ અને ઉદઘાટન
રવિવારની સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં બે વિશ્વવિક્રમો સ્થાપિત થયા હતા. પ્રથમ એ કે, એક લેખક દ્વારા બીજા લેખકને લાયબ્રેરીની ભેટ અપાઈ અને બીજું કે, આ અત્યાધુનિક પુસ્તકાલયનું ઉદઘાટન જય વસાવડાની માત્ર બે વર્ષની ભત્રીજી પ્રથાના કોમળ હાથે કરાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના ટૂંકા આમંત્રણ છતાં ૬૫૦થી વધુ સાહિત્યપ્રેમી નગરજનોએ હાજર રહી આ ક્ષણને વધાવી હતી.
ઐતિહાસિક ભૂમિ પર જ્ઞાનનો સંગમ
રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તેમના પૂર્વજ સ્વ. લાખાજીરાજ બાપુએ ગાંધીજીના કાર્યો માટે આપેલી ૬૫,૦૦૦ વારની આ જગ્યામાં આજે એક નવું જ્ઞાનનું કેન્દ્ર ઉમેરાયું છે તે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય શાળાના સંચાલક જીતુભાઈ ભટ્ટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનુદાનથી સંસ્થામાં ઘણું નવું થયું છે, ત્યારે આ લાયબ્રેરીનું પુનઃનિર્માણ સોનામાં સુગંધ ભેળવવા જેવું છે. રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ જગદીશ ત્રિવેદીની ઉદારતાને બિરદાવતા તેમને એક આદર્શ વિદ્વાન ગણાવ્યા હતા.
ભાવવિભોર પ્રતિસાદ અને કૃતજ્ઞતા
જગદીશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં આ મૌલિક વિચાર તેમના પુત્ર મૌલિકનો હોવાનું જણાવી, જય વસાવડાને 'પુસ્તકાલયનું સંતાન' ગણાવ્યા હતા. જય વસાવડાએ પણ અત્યંત ભાવુક બની પોતાના ઘડતરમાં લાયબ્રેરીઓના ફાળાને યાદ કર્યો હતો. તેમણે પોતાના ગુરુજનો ડો. જે.એમ. મહેતા અને ડો. રમેશભાઈ ફુલેત્રા સહિત માતા-પિતાના સંસ્કારોને આ કાર્યની સફળતા ગણાવી હતી. આ પુસ્તકાલયનું નિર્માણ આર્કિટેકટ પ્રતીક દઢાણિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં જય વસાવડાના માતા-પિતાની તસ્વીરો પણ મુકાઈ છે.
મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિ
આ અવસરે મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, ઉદ્યોગપતિ ઈલેશભાઈ ખખ્ખર, મિલન ત્રિવેદી, સંજુ વાળા, બળવંત જાની સહિત રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ (બોલબાલા ટ્રસ્ટ) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આઈસ્ક્રીમની મિજબાની સાથે વાચનપ્રેમીઓએ જ્ઞાન અને સ્નેહની આ મધુર યાદો વાગોળી હતી.

(4:19 PM IST)