News of Monday, 16th March 2026
સાત સમંદર પાર ઉડ્યો ગુલાલ: કેલિફોર્નિયામાં રો ખન્નાએ માણી હોળીની મજા, રાજસ્થાની પાઘડી પહેરી દેશી અંદાજમાં જોવા મળ્યા
મિલ્પિટાસમાં ૧૦૦૦થી વધુ ભારતીય-અમેરિકનો સાથે કોંગ્રેસમેને રમી હોળી: રાજસ્થાની ભોજન અને લોકનૃત્યના તાલે અમેરિકા ગુંજી ઉઠ્યું

કેલિફોર્નિયા, તા.૧૬: અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. જાણીતા યુએસ કોંગ્રેસમેન રો ખન્ના એ રવિવારે કેલિફોર્નિયાના મિલ્પિટાસમાં આયોજિત ભવ્ય હોળી ઉત્સવમાં હાજરી આપી હતી. ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર (ICC) ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રો ખન્ના માત્ર અતિથિ તરીકે જ નહીં, પરંતુ એક સાચા ભારતીય તરીકે રંગોમાં તરબોળ થતા જોવા મળ્યા હતા.
રાજસ્થાની સંસ્કૃતિનો જાદુ
આ હોળી ઉત્સવનું વિશેષ આયોજન 'રાજસ્થાન એલાયન્સ ઓફ નોર્થ અમેરિકા' દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજસ્થાની લોકસંગીત, પરંપરાગત નૃત્ય અને સ્વાદિષ્ટ રાજસ્થાની વાનગીઓએ જમાવટ કરી હતી. રો ખન્નાએ માથે કેસરી પાઘડી પહેરીને અને ચહેરા પર ગુલાલ લગાવીને સમુદાયના લોકો સાથે સેલ્ફી લીધી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
રાજકારણના થાક વચ્ચે રંગોનો આનંદ
રો ખન્નાએ 'X' (ટ્વિટર) પર આ ઈવેન્ટની ઝલક શેર કરતા લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની રાજકીય ખેંચતાણથી દૂર, પોતાના ઘરે પરત ફરીને મિત્રો અને સમુદાય સાથે હોળી ઉજવવી એ ખરેખર આનંદદાયક છે. અહીંની ઉર્જા અને જીવંતતા અદ્ભુત છે." આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે વિદેશમાં વસતા ભારતીયો આજે પણ પોતાની પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલા છે.
નેતાઓની જુગલબંધી
આ ઉજવણીમાં વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર અને ભારતીય-અમેરિકન નેતા અજય જૈન ભૂટોરિયા પણ જોડાયા હતા. તેમણે રો ખન્નાને રંગોથી નવડાવી દીધા હતા અને તેમને એક 'સ્વપ્નદ્રષ્ટા અને મહેનતુ નેતા' ગણાવ્યા હતા. ભૂટોરિયાએ ઉમેર્યું કે, આવા નેતાઓનું સમુદાય વચ્ચે આવવું એ એકતાનો મજબૂત સંદેશ આપે છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
