News of Monday, 16th March 2026
કેનેડામાં ઇમિગ્રન્ટ્સ સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ: ૨૧ વર્ષીય ઉદયવીર ધિલ્લોનની ધરપકડ, દક્ષિણ એશિયન યુવાનોને બનાવતો હતો શિકાર
મોંઘી કાર અને ક્રેડિટ લોનના નામે લાખોની છેતરપિંડી: કામચલાઉ વિઝા પર રહેતા ભારતીયોને નિશાન બનાવી આચર્યું ગુનાહિત કૃત્ય

બ્રેમ્પટન (કેનેડા), તા.૧૬: કેનેડાના પીલ પ્રદેશમાં વસતા દક્ષિણ એશિયન સમુદાય અને ખાસ કરીને નવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીલ પ્રાદેશિક પોલીસે રવિવારે બ્રેમ્પટનના ૨૧ વર્ષીય યુવાન ઉદયવીર ધિલ્લોનની ધરપકડ કરી છે. ધિલ્લોન પર આરોપ છે કે તેણે ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા નિર્દોષ લોકોનો ઉપયોગ કરીને નાણાકીય સંસ્થાઓ અને કાર ડીલરશીપ સાથે ગંભીર છેતરપિંડી કરી હતી.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
પોલીસના ફ્રોડ બ્યુરો દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી ઉદયવીર એવા વ્યક્તિઓને શોધતો હતો જેઓ કેનેડામાં કામચલાઉ સ્ટેટસ (Temporary status) પર છે. તે આ લોકોના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને ઉચ્ચ મૂલ્યની ઓટો લોન અને ક્રેડિટ લિમિટ મેળવતો હતો. નવાઈની વાત એ છે કે, આ લોન ભરપાઈ કરવાનો તેનો કોઈ જ ઈરાદો નહોતો.
વાહનોની તસ્કરી અને વેચાણ
મેળવેલા ભંડોળ અને મોંઘી ગાડીઓનો ઉપયોગ તે પોતાના અંગત ફાયદા માટે કરતો હતો. પોલીસનો દાવો છે કે આ વાહનો કથિત રીતે ગેરકાયદેસર રીતે પુનઃવેચાણ કરવા અથવા દેશની બહાર નિકાસ કરવા માટે મેળવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં જે વ્યક્તિના નામે લોન લેવામાં આવતી, તે ઇમિગ્રન્ટ મુશ્કેલીમાં મુકાઈ જતો હતો અને તેનું ક્રેડિટ સ્કોર તેમજ કાનૂની સ્ટેટસ જોખમમાં આવી જતું હતું.
પોલીસ કાર્યવાહી અને ચેતવણી
પીલ પોલીસે ૯ માર્ચે ધિલ્લોનની ધરપકડ કરી હતી અને ૧૫ માર્ચે સત્તાવાર રીતે તેના પર ફોજદારી ગુનો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. પોલીસ અધિકારીઓએ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ લોભમાં આવીને પોતાના અંગત દસ્તાવેજો અથવા ઇમિગ્રેશન પેપર્સ અજાણી વ્યક્તિને આપવા જોઈએ નહીં. આ કેસમાં હજુ વધુ તપાસ ચાલુ છે અને અન્ય લોકોની સંડોવણી હોવાની પણ આશંકા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
