<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

એલોન મસ્કની 'ડ્રીમ ટીમ'માં ભારતીય પ્રતિભાનો દબદબો: અમન ગોટ્ટુમુક્કાલા હવે સ્પેસએક્સ અને xAI ના મિશનમાં જોડાશે

માત્ર ૩ લોકોની ટીમ સાથે કરોડોની કમાણી કરનાર એન્જિનિયર હવે મસ્ક સાથે મળીને બનાવશે દુનિયાનું સૌથી શક્તિશાળી AI કોડિંગ ટૂલ

ટેક્સાસ, તા.૧૬: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપનીઓ સ્પેસએક્સ (SpaceX) અને xAI માં વધુ એક ભારતીય મૂળના તેજસ્વી એન્જિનિયરની એન્ટ્રી થઈ છે. ટેક્સાસ સ્થિત સોફ્ટવેર એન્જિનિયર અમન ગોટ્ટુમુક્કાલાએ જાહેરાત કરી છે કે તેઓ હવે મસ્કના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનો હિસ્સો બનશે. અમન તેની અસાધારણ કોડિંગ ક્ષમતા અને AI સ્ટાર્ટઅપ ક્ષેત્રે મેળવેલી સફળતાને કારણે ટેક જગતમાં જાણીતું નામ છે.
કોણ છે અમન ગોટ્ટુમુક્કાલા?
અમન ગોટ્ટુમુક્કાલાએ ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેમણે 'ફાયરબેન્ડર' (Firebender) નામનું એક એવું AI કોડિંગ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે ખાસ કરીને એન્ડ્રોઇડ ડેવલપર્સને કોડિંગમાં મદદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ૩ લોકોની નાની ટીમે આ પ્લેટફોર્મને લાખો ડોલરની આવક સુધી પહોંચાડ્યું હતું. તેમની આ સફળતા જોઈને જ મસ્કની કંપનીઓએ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
'સુપરઇન્ટેલિજન્સ'ની દિશામાં મોટું ડગલું
પોતાના નવા સાહસ વિશે ઉત્સાહ વ્યક્ત કરતા અમને 'X' પર લખ્યું કે, "આપણે અત્યારે આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સની અણી પર ઉભા છીએ. xAI એ ભવિષ્યના નિર્માણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં અદભૂત પ્રતિભા અને સંસાધનોનો સંગમ છે." સ્પેસએક્સ અને xAI માં અમનનું મુખ્ય કાર્ય ડેવલપર્સ માટે જટિલ સમસ્યાઓ ઉકેલી શકે તેવા એડવાન્સ AI ટૂલ્સ બનાવવાનું રહેશે.
વિજેતા ટીમ બનાવવાનો સંકલ્પ
અમન ગોટ્ટુમુક્કાલાએ ભારતીય એન્જિનિયરો અને પ્રતિભાઓને પણ આહવાન કર્યું છે કે જો તેઓ ઇતિહાસની સૌથી મોટી સમસ્યાઓ ઉકેલવા માંગતા હોય તો આ 'વિજેતા ટીમ'નો હિસ્સો બને. નોંધનીય છે કે, મસ્કની કંપનીઓમાં ભારતીય મૂળના એન્જિનિયરોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

(4:34 PM IST)