<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સાવધાન! તમારી આ ૧૧ આદતો મગજને સમય પહેલા કરી રહી છે 'બૂઢું': ન્યુરોલોજીસ્ટની ગંભીર ચેતવણી, જાણો કેવી રીતે બચવું

યાદશક્તિ ઓછી થવી એ માત્ર વૃદ્ધાવસ્થાની નિશાની નથી: અપોલો હોસ્પિટલના નિષ્ણાંતે જણાવ્યું કે કેવી રીતે આપણી જીવનશૈલી મગજને સંકોચી રહી છે

નવી દિલ્હી: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે શરીરના અન્ય અંગોનું તો ધ્યાન રાખીએ છીએ, પરંતુ મગજની અવગણના કરીએ છીએ. અપોલો હોસ્પિટલના સીનિયર ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારે તાજેતરમાં એવી ૧૧ દૈનિક આદતો વિશે ચેતવણી આપી છે જે મગજને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહી છે. જો આ આદતો સમયસર બદલવામાં ન આવે, તો મગજ તેની ક્ષમતા ગુમાવી શકે છે અને સમય પહેલા જ વૃદ્ધત્વ તરફ ધકેલાઈ શકે છે.
મગજને નુકસાન પહોંચાડતા મુખ્ય કારણો:
૧. ઊંઘની કમી: ઊંઘ દરમિયાન મગજ અંદરના 'કચરા'ની સફાઈ કરે છે. જો ઊંઘ પૂરી ન થાય, તો મગજનો આકાર ઝડપથી બદલાય છે.
૨. સતત તણાવ: લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે, જે યાદશક્તિ માટે જવાબદાર હિસ્સાને નુકસાન કરે છે.
૩. સ્થૂળતા અને ડાયાબિટીસ: વધતું વજન અને અનિયંત્રિત ડાયાબિટીસ મગજની નસોને નુકસાન પહોંચાડે છે અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે.
૪. બેઠાડુ જીવન: શારીરિક પ્રવૃત્તિના અભાવે મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જ્યારે કસરત કરવાથી મગજનું કદ વધે છે.
સામાજિક અને વિટામિનની અસર:
ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે એકલાપણું અને સમાજથી કપાયેલા રહેવું મગજ માટે હાનિકારક છે. આ સિવાય વિટામિન B12 ની ઉણપ પણ મગજને સંકોચી શકે છે. જો તમને ઓછું સંભળાતું હોય કે નબળી નજર હોય અને તમે તેની સારવાર ન કરાવો, તો મગજને મળતા ઉત્તેજનમાં ઘટાડો થાય છે, જે તેની વિચારવાની શક્તિને નબળી પાડે છે. આ ઉપરાંત દારૂ અને ધૂમ્રપાન મગજને સીધું નુકસાન પહોંચાડે છે.
મગજને સ્વસ્થ રાખવાના ઉપાયો:
ડૉ. સુધીર કુમારના મતે મગજને લાંબા સમય સુધી યુવાન અને તેજ રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવી જોઈએ:
•    રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લેવી.
•    નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર લેવો.
•    લોકો સાથે મળવું-જૂલવું અને સામાજિક સંબંધો જાળવવા.
•    બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવું.

(6:29 PM IST)