<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

દિલ્હી-ગાઝિયાબાદ રૂટ પર મુસાફરી કરતા મુસાફરો ધ્યાન આપે: યમુના પર નવા પુલના કામને લીધે રેલવેનો મેગા બ્લોક, ડઝનબંધ ટ્રેનો રદ

માર્ચ મહિનામાં ચાર દિવસ ટ્રેન વ્યવહારને લાગશે બ્રેક: જૂની દિલ્હી-શાહદરા વચ્ચે નવી કનેક્ટિવિટી માટે લેવાયો નિર્ણય, જુઓ રદ થયેલી ટ્રેનોની આખી યાદી

નવી દિલ્હી: રેલવે મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરી થોડી મુશ્કેલ બની શકે છે. જૂની દિલ્હીને ગાઝિયાબાદ સાથે જોડતા યમુના નદી પર બની રહેલા નવા પુલના નિર્માણ કાર્યને ગતિ આપવા માટે રેલવે દ્વારા 'મેગા બ્લોક' લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે ૧૭, ૧૮, ૨૮ અને ૨૯ માર્ચના રોજ જૂની દિલ્હી અને શાહદરા વચ્ચેનો ટ્રાફિક બ્લોક રહેશે, જેને લીધે ઘણી લોકલ અને પેસેન્જર ટ્રેનોને અસર થશે.
કયા દિવસે કઈ ટ્રેનો રહેશે રદ?
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, માર્ચ મહિનાના વિવિધ દિવસોમાં રદ થયેલી મુખ્ય ટ્રેનો નીચે મુજબ છે:
•    ૧૭ માર્ચ: નવી દિલ્હી-પલવલ અને પલવલ-ગાઝિયાબાદ જેવી મહત્વની લોકલ ટ્રેનો રદ રહેશે.
•    ૧૮ માર્ચ: આ દિવસે સૌથી વધુ અસર જોવા મળશે. જૂની દિલ્હીથી મુરાદાબાદ, શામલી, સાહિબાબાદ અને ગાઝિયાબાદ જતી લગભગ ૧૯ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.
•    ૨૮ માર્ચ: પલવલ, શામલી, જીંદ અને તિલક બ્રિજ-બુલંદશહેર રૂટની ટ્રેનો બંધ રહેશે.
•    ૨૯ માર્ચ: રવિવાર હોવા છતાં બરેલી, સહારનપુર, પાણીપત અને શકુર બસ્તી જતી ટ્રેનો સહિત ૨૦ થી વધુ ટ્રેનોને બ્લોકની અસર નડશે.
મુસાફરો માટે મુશ્કેલી અને ભવિષ્યની સુવિધા
યમુના પર બની રહેલો આ નવો પુલ જૂની દિલ્હી અને ગાઝિયાબાદ વચ્ચેની રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. જોકે, હાલમાં ચાલી રહેલા કામને કારણે દૈનિક મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. ખાસ કરીને સવાર અને સાંજની પીક અવર્સમાં ચાલતી લોકલ ટ્રેનો રદ થવાથી નોકરીિયાત વર્ગને મુશ્કેલી પડી શકે છે.
સમયસર માહિતી મેળવવી જરૂરી
રેલવે અધિકારીઓએ મુસાફરોને અપીલ કરી છે કે સ્ટેશન પર આવતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ તપાસી લેવું. આ ઉપરાંત, ઉનાળાની રજાઓ માટે બિહાર અને મુંબઈ વચ્ચે કેટલીક સમર સ્પેશિયલ ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે, જે પટના અને મુઝફ્ફરપુર થઈને દોડશે, જેથી લાંબા અંતરના મુસાફરોને રાહત મળી શકે.

(6:33 PM IST)