<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

બંગાળના રણમેદાનમાં ભાજપનો મોટો દાવ: ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સુવેન્દુ અધિકારી ફરી એકવાર મમતા બેનર્જી સામે સીધી ટક્કર લેશે

નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પરથી લડશે સુવેન્દુ: મમતા દીદીને ઘેરવા માટે ભાજપે ઘડી ખાસ રણનીતિ, દિલીપ ઘોષને ખડગપુરથી મળી ટિકિટ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રવિવારે ૨૯૪ બેઠકોમાંથી ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક અને વ્યૂહાત્મક નિર્ણય વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને લઈને લેવામાં આવ્યો છે, જેમને ભાજપે બે મહત્વની બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા છે.
દીદી સામે સુવેન્દુનો સીધો પડકાર
ભાજપે સુવેન્દુ અધિકારીને તેમના ગઢ ગણાતા નંદીગ્રામ ઉપરાંત મુખ્યમંત્રી મમતા બેનર્જીની પરંપરાગત બેઠક ભવાનીપુર પરથી પણ ટિકિટ આપી છે. ૨૦૨૧ની ચૂંટણીમાં સુવેન્દુએ નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીને દેશભરનું ધ્યાન ખેંચ્યું હતું. હવે ભાજપ ઈચ્છે છે કે મમતા બેનર્જી પોતાની જ બેઠક પર એવા ફસાઈ જાય કે તેઓ રાજ્યની અન્ય બેઠકો પર પ્રચાર કરવા માટે ઓછો સમય ફાળવી શકે.
ભાજપની નવી રણનીતિ: કાર્યકરો પર ભરોસો
આ વખતે ભાજપે 'બહારના' નેતાઓ કરતા પોતાના પાયાના કાર્યકરો પર વધુ વિશ્વાસ મૂક્યો હોય તેમ જણાય છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને ખડગપુર સદરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે સિલિગુડીથી ડૉ. શંકર ઘોષને તક મળી છે. જોકે, આ ૧૪૪ ઉમેદવારોની યાદીમાં માત્ર ૧૧ મહિલાઓને સ્થાન મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ શરૂ થઈ છે.
ટીએમસી માટે વધ્યું ટેન્શન
ટીએમસી મોટે ભાગે પ્રચાર માટે મમતા બેનર્જીના ચહેરા પર આધાર રાખે છે. જો મમતા દીદી ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારી સામેની હાઈ-વોલ્ટેજ ફાઈટમાં વ્યસ્ત થઈ જશે, તો ટીએમસી માટે રાજ્યભરનો મોરચો સંભાળવો પડકારજનક બની શકે છે. હવે સૌની નજર ટીએમસીની યાદી પર છે કે શું મમતા બેનર્જી ફરી નંદીગ્રામમાં નસીબ અજમાવશે કે પછી કોઈ ત્રીજી બેઠક પસંદ કરશે.

(6:34 PM IST)