<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

બાળકોને સ્માર્ટફોન આપવા કરતા રડવા દેવા વધુ સારા: રાજસ્થાનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વાલીઓને મોટો સંદેશ, મોબાઈલની નકારાત્મક અસરો સામે ચેતવ્યા

ભોજન અને પ્રાર્થના વખતે ફોનથી દૂર રહો: યુવા પેઢીને પુસ્તકો અને યોગ તરફ વળવા હાકલ, ૨૦૨૭ની ચૂંટણીના ગરમાવા વચ્ચે ઓપી રાજભરની ૬૨ બેઠકો પર દાવની

જાલોર: રાજસ્થાનના જાલોર ખાતે રત્નેશ્વર મહાદેવ મંદિરની ૩૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ભવ્ય ધાર્મિક સભામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્તમાન પેઢી માટે એક ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાલીઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "નાના બાળકો રડે કે ગુસ્સે થાય તે ઠીક છે, પરંતુ તેમને ચૂપ કરવા માટે સ્માર્ટફોન આપવાની ભૂલ ન કરો." સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડિપ્રેશન અને આત્મહત્યા સામે જંગ
યોગીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સ્માર્ટફોનની ગેમ્સ અને સોશિયલ મીડિયા યુવાનોને નકારાત્મક દિશામાં લઈ જઈ રહ્યા છે. બાળકોમાં વધતી જતી આત્મહત્યાની વૃત્તિ અને ડિપ્રેશન પાછળ આ ગેજેટ્સનો અતિરેક જવાબદાર છે. તેમણે સલાહ આપી કે ભોજન અને ભગવાનની પ્રાર્થના દરમિયાન ફોનને બાજુ પર રાખવો જોઈએ. જીવનમાં નિષ્ફળતાથી ગભરાવાને બદલે શારીરિક વ્યાયામ અને સારા પુસ્તકોના વાંચન દ્વારા સકારાત્મકતા લાવવી જોઈએ.
યુપીના રાજકારણમાં નવો વળાંક
બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની રણનીતિઓ અત્યારથી જ ઘડાવા લાગી છે. કેબિનેટ મંત્રી અને સુભાષપ (SBSP) ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ગોરખપુરમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં NDA ગઠબંધન હેઠળ ૬૨ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાજભરે સ્પષ્ટ કર્યું કે તેઓ ગઠબંધન છોડવાના નથી અને પૂર્વી તેમજ મધ્ય ઉત્તર પ્રદેશમાં તેમની પાર્ટીની પકડ મજબૂત છે.
વિપક્ષ પર આકરા પ્રહાર
ઓપી રાજભરે સપા સુપ્રીમો અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે સપાએ હંમેશા મુસ્લિમો સાથે દગો કર્યો છે અને આઝમ ખાનની સ્થિતિ માટે પણ સપા જવાબદાર છે. તેમણે અખિલેશ યાદવ અને ભાજપ વચ્ચે આડકતરી સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. રાજભરના મતે હાલમાં દેશનું રાજકારણ ખેતી આધારિત નહીં પરંતુ જાતિ આધારિત બની ગયું છે, જે એક કડવું સત્ય છે.

(6:45 PM IST)