News of Monday, 16th March 2026
૭૫ લાખની લક્ઝરી SUV 'ખામીયુક્ત' નીકળતા કોર્ટ લાલઘૂમ: જીપ કંપનીને ગ્રાહકના પૂરેપૂરા પૈસા વ્યાજ સાથે પરત કરવાનો ઐતિહાસિક આદેશ
છતમાંથી પાણી ટપક્યું અને AC પણ ખોટકાયું: જીપ રેંગલર રુબીકોનમાં સર્જાયેલી અનેક ટેકનિકલ ખામીઓ બાદ દિલ્હી ગ્રાહક કોર્ટે ફિયાટ કંપનીને ફટકાર્યો આકરો દંડ

નવી દિલ્હી: મોંઘીદાટ ગાડીઓ ખરીદનારા ગ્રાહકો માટે ગ્રાહક કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અમેરિકન કાર કંપની જીપ (Jeep) અને તેની પેરેન્ટ કંપની ફિયાટ ઇન્ડિયાને મોટો ઝટકો આપતા દિલ્હી ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક ખામીયુક્ત SUVને બદલે નવી કાર આપવા અથવા ગ્રાહકને અંદાજે ₹૭૫ લાખ પરત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ 'જીપ રેંગલર રુબીકોન' (Jeep Wrangler Rubicon) જેવી પ્રીમિયમ કારનો છે, જેની ગુણવત્તા પર કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સમસ્યાઓનો અંબાર અને ગ્રાહકની હાલાકી
એક ગ્રાહકે વર્ષ ૨૦૨૧માં અંદાજે ₹૭૦ લાખના ખર્ચે આ લક્ઝરી SUV ખરીદી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોંઘી કારમાં ખરીદ્યાના થોડા જ સમયમાં છતમાંથી પાણી લીક થવું, AC સિસ્ટમ ફેલ થવી, રિવર્સ કેમેરા બંધ થઈ જવો અને એન્જિનમાં ધ્રુજારી જેવી ગંભીર સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. ગ્રાહક આ ખામીઓ દૂર કરવા માટે દિલ્હી, અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનના સર્વિસ સેન્ટરોમાં ધક્કા ખાઈને કંટાળી ગયો હતો, છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નહોતો.
કોર્ટનો કઠોર અને ન્યાયી ચુકાદો
ગ્રાહકની વ્યથા સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું કે આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ ગ્રાહકને માનસિક ત્રાસ મળે તે અસ્વીકાર્ય છે. કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે કંપનીએ:
• કારની મૂળ કિંમત ₹૬૯.૪૯ લાખ પરત કરવી.
• સમારકામ અને સર્વિસ પેટે ₹૪ લાખ ચૂકવવા.
• મુસાફરી ખર્ચ માટે ₹૫૦,૦૦૦ અને માનસિક તણાવ માટે ₹૧ લાખનું વળતર આપવું.
આમ, કુલ મળીને કંપનીએ ગ્રાહકને અંદાજે ₹૭૫ લાખની ચૂકવણી કરવી પડશે અથવા નવી નકોર કાર આપવી પડશે.
ઓફ-રોડિંગ કિંગની છબી ખરડાઈ
જીપ રેંગલર રુબીકોન તેના ૨.૦ લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને પાવરફુલ ઓફ-રોડિંગ ક્ષમતા માટે જાણીતી છે. જોકે, આ કિસ્સામાં કારની ફ્રેમ અને એન્જિનમાં જ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોવાનું સામે આવતા બ્રાન્ડની વિશ્વસનીયતા પર ડાઘ લાગ્યો છે. આ ચુકાદો અન્ય ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ એક ચેતવણી સમાન છે કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ હવે કંપનીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
