News of Monday, 16th March 2026
છત્તીસગઢનો 'વર્લ્ડ રેકોર્ડ' વિવાહ: એક જ મંડપ નીચે 6,412 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનાએ રચ્યો ઈતિહાસ : રાયપુરના મેદાનમાં હજારો દંપતીઓએ લીધા સાત ફેરા: હિન્દુ-મુસ્લિમ અને ખ્રિસ્તી રીતિ-રિવાજોના સંગમ સાથે છત્તીસગઢનું નામ 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સુવર્ણ અક્ષરે અંકિત

રાયપુર : છત્તીસગઢની ધરતી પર સામાજિક ક્રાંતિ અને સમરસતાનો એક એવો અદભૂત નજારો જોવા મળ્યો જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. રાયપુરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈની ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય સમારોહમાં કુલ 6,412 યુગલોએ એકસાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ આયોજનની ખાસિયત એ હતી કે તેમાં માત્ર આંકડા જ નહીં, પરંતુ લાગણીઓનો પણ સંગમ હતો. રાયપુરમાં 1,316 યુગલોએ રૂબરૂમાં અને બાકીના દંપતીઓએ વિવિધ જિલ્લાઓમાંથી વર્ચ્યુઅલી જોડાઈને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ ભવ્ય સિદ્ધિ બદલ છત્તીસગઢ સરકારનું નામ હવે અધિકૃત રીતે 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાઈ ગયું છે.
આ મહા-સમારોહ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિની 'અનેકતામાં એકતા'નું જીવંત ઉદાહરણ બન્યો હતો. એક જ સ્થળે હિન્દુ વિધિ મુજબ સાત ફેરા લેવાયા, મુસ્લિમ નિકાહ પઢાયા અને ખ્રિસ્તી તેમજ બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન સંપન્ન થયા. એટલું જ નહીં, રાજ્યની અત્યંત પછાત એવી 'બૈગા' જનજાતિના યુગલોએ પણ પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરા મુજબ લગ્ન કરીને આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ નવદંપતીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ યોજના ગરીબ પરિવારો માટે માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ સામાજિક સન્માનનું પ્રતીક છે. સરકારે પ્રત્યેક દંપતીને ₹35,000ની આર્થિક સહાય અને ઘરવખરીની ભેટ આપીને તેમના નવા જીવનનો પાયો મજબૂત કર્યો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવાડેએ આ પ્રસંગને રાજ્યની દીકરીઓના આત્મસન્માન સાથે જોડતા કહ્યું કે, જે દીકરીઓના લગ્નની ચિંતા માતા-પિતાને સતાવતી હતી, આજે તે ચિંતા સરકારે પોતાના શિરે લીધી છે. આ આયોજનમાં લોકગીતો, શરણાઈના સૂર અને હજારો લોકોની ભીડ વચ્ચે છત્તીસગઢની લોક સંસ્કૃતિ ખીલી ઉઠી હતી. વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા મુખ્યમંત્રીને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મેદાન 'જય જોહાર'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે શાસન અને જનતા વચ્ચે સંવેદનશીલતાનો સેતુ બંધાય છે, ત્યારે આવા ઐતિહાસિક પરિણામો પ્રાપ્ત થાય છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
