<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ફાર્મા સેક્ટરમાં જોરદાર 'બુસ્ટર ડોઝ': હૃદય અને ડાયાબિટીસની દવાઓની માંગ વધતા બજારમાં ૧૨%નો ઉછાળો

ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારતીય ફાર્મા માર્કે પકડી તેજ રફ્તાર : ક્રોનિક રોગોની દવાઓના વેચાણમાં ૧૭%ની વૃદ્ધિ સાથે ઇન્ટાસ અને સન ફાર્મા જેવી કંપનીઓ બની માર્કેટ લીડર : મૌન્જારો અને ફોરકોર્ટ જેવી બ્રાન્ડ્સનું દેશભરમાં વર્ચસ્વ

મુંબઈ  : ભારતીય ફાર્માસ્યુટિકલ બજાર અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના તાજેતરના આંકડાઓ મુજબ, હૃદયરોગ (કાર્ડિયાક) અને ડાયાબિટીસ જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓની દવાઓની માંગમાં અભૂતપૂર્વ વધારો થવાને કારણે સમગ્ર બજારમાં ૧૨ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. મોતીલાલ ઓસ્વાલના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષના સમાન ગાળામાં વૃદ્ધિ માત્ર ૪ ટકા હતી, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો ફાર્મા સેક્ટર માટે મોટી સિદ્ધિ સમાન છે. ખાસ કરીને લાંબા ગાળાની સારવાર એટલે કે 'ક્રોનિક સેગમેન્ટ'માં ૧૭ ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે દેશમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને દવાઓનો વપરાશ બંનેમાં વધારો થયો છે.

કંપનીવાર દેખાવની વાત કરીએ તો, ઇન્ટાસ ફાર્માએ ૨૦.૮ ટકાના ગ્રોથ સાથે મેદાન માર્યું છે, જ્યારે સન ફાર્મા અને અજંતા ફાર્માએ પણ બજારની સરેરાશ કરતા ઘણો સારો દેખાવ કર્યો છે. દવાઓની દુનિયામાં 'મૌન્જારો' ફેબ્રુઆરી મહિનાની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ તરીકે ઉભરી આવી છે, જેનું એકલાનું વેચાણ ₹૧૨૦ કરોડને પાર કરી ગયું છે. બીજી તરફ શ્વાસની બીમારીઓ માટે વપરાતી 'ફોરકોર્ટ' પણ ₹૯૦ કરોડના વેચાણ સાથે બીજા ક્રમે રહી છે. જોકે, ઇન્સ્યુલિન સેગમેન્ટમાં 'મિક્સટાર્ડ' જેવી જૂની બ્રાન્ડના વેચાણમાં ૩૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે સૂચવે છે કે દર્દીઓ હવે આધુનિક અને નવી પેઢીની દવાઓ તરફ વળી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો, ભારતીય ફાર્મા બજાર પર સ્થાનિક કંપનીઓનો ૮૪ ટકા હિસ્સા સાથે દબદબો કાયમ છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે બહુરાષ્ટ્રીય કંપનીઓ એ ૧૬.૭ ટકાની ઝડપે વિકાસ કર્યો છે, જે સ્થાનિક કંપનીઓની સરખામણીએ વધુ છે. નિષ્ણાતોના મતે, આવનારા સમયમાં પણ વિટામિન્સ, ન્યુરો અને કાર્ડિયાક વિભાગમાં તેજી યથાવત રહેશે. ફાર્મા સેક્ટરમાં આવેલી આ તેજી રોકાણકારો માટે પણ આશાનું કિરણ લઈને આવી છે, કારણ કે સતત ૧૨ મહિનાથી બજારમાં સરેરાશ ૯.૮ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે પણ સકારાત્મક સંકેત છે.

(7:23 PM IST)