News of Monday, 16th March 2026
દેશના પાંચ રાજ્યોમાં અને પેટાચૂંટણી પ્રક્રિયાને ટેકનોલોજી સાથે જોડતા ચૂંટણી પંચે 'C-Vigil' એપ અને 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયા
સમગ્ર પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આશરે 5173 ફ્લાઈંગ સ્ક્વોડ અને 5200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમો તૈનાત : કોઈપણ ફરિયાદના નિવારણ માટે ટીમો 100 મિનિટના મર્યાદિત સમયમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરશે.

નવી દિલ્હી :ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં 2026ની વિધાનસભા ચૂંટણીઓ માટેના સમયપત્રકની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા (MCC)નો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે પંચે આ વખતે અભૂતપૂર્વ સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા ગોઠવી છે. સમગ્ર પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આશરે 5173 ફ્લાઈંગ સ્ક્વોડ અને 5200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આચારસંહિતાના ભંગ બદલ ત્વરિત કાર્યવાહી કરશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ફરિયાદના નિવારણ માટે ટીમો 100 મિનિટના મર્યાદિત સમયમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરશે.
ચૂંટણી પ્રક્રિયાને ટેકનોલોજી સાથે જોડતા પંચે 'C-Vigil' એપ અને 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કર્યા છે, જેના દ્વારા મતદારો આચારસંહિતાના ભંગ અંગે સીધી ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત, પક્ષો અને ઉમેદવારો માટે 'સુવિધા' પોર્ટલ દ્વારા મેદાન કે હેલિપેડ જેવી જાહેર મિલકતોના ઉપયોગ માટે 'વહેલા તે પહેલા'ના ધોરણે મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આચારસંહિતાના નિયમો મુજબ, મંત્રીઓ હવે સત્તાવાર પ્રવાસને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકશે નહીં અને સરકારી તંત્ર કે વાહનોનો ઉપયોગ પ્રચાર માટે સખત મનાઈ રહેશે. ખાનગી મિલકતો પર પરવાનગી વગર પોસ્ટર કે બેનર લગાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે નાગરિકોની અંગત ગોપનીયતા જાળવવાના પંચના પ્રયાસોનો ભાગ છે.
આગામી ચૂંટણીઓમાં આશરે 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના માટે 2.19 લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન થશે, જ્યારે કેરળ, આસામ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. તમિલનાડુમાં 23 એપ્રિલે મતાધિકારનો ઉપયોગ કરાશે અને તમામ રાજ્યોના પરિણામો 4 મે, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાત સહિત 6 રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે તમામ વહીવટી અધિકારીઓને નિષ્પક્ષ રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ આપી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
